- ઇઝરાયેલે હુમલો કરતાં ઇરાને સુરક્ષાના કારણોસર એરસ્પેસ બંધ કરી
- એર ઇન્ડિયાની 16 ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પાછી વાળવામાં આવી કે અન્યત્ર લઇ જવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી
નવી દિલ્હી : જ્યારે કોઇ મુંબઇ એરપોર્ટ પરથી સવારે ૫.૩૯ વાગે લંડન જવા રવાના થયેલું એર ઇન્ડિયાનું વિમાન ત્રણ કલાક હવામાં રહ્યા બાદ મુંબઇ એરપોર્ટ પર પાછું ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરતાં પ્રવાસીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ઇઝરાયેલે શુક્રવારે સવારે ઇરાન પર ઓપરેશન રાઇઝિંગ લાયન હેઠળ ન્યુક્લિયર પ્લાન્ટ્સ પર હુમલા કરતાં ઇરાને તેની એરસ્પેસ સુરક્ષાના કારણોસર બંધ કરી દેતાં ભારતથી રવાના થયેલી અનેક ફલાઇટ્સ પર તેની અસર થઇ હતી. મુંબઇ અને દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટસ પરથી રવાના થયેલી અનેક ફલાઇટ્સને પાછી વાળવી પડી હતી અથવા તેને અન્યત્ર ડાઇવર્ટ કરવી પડી હતી. એર ઇન્ડિયાએ આ બાબતે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે આ અવરોધને કારણે અટવાઇ પડેલાં પ્રવાસીઓને રહેવાની તથા તેમના ગંતવ્યસ્થાને પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શુક્રવારે સવારે ઇઝરાયેલે ઇરાનના પાટનગરના રહેવાસી ઇલાકાને નિશાન બનાવી ત્યાં રહેતાં અણુવિજ્ઞાાનીઓને મારી નાંખ્યા હોવાનું મનાય છે. ઇરાનમાં અનેક ઠેકાણે ઇઝરાયેલે હુમલો કરી તેના ન્યુક્લિયર પ્રોગ્રામને નષ્ટ કરવાનું લશ્કરી અભિયાન શરૂ કર્યું છે. ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઇએ ઇઝરાયેલને આકરી સજા કરવાની હાકલ કરી હતી.
ઇઝરાયેલના ઇરાન પરના હુમલાને પગલે દુનિયાની અગ્રણી એરલાઇન્સે તેમની ફલાઇટ્સને રદ કરવાની કે અન્યત્ર વાળવાની જાહેરાતો કરી છે. આ હુમલા બાદ જોર્ડન અને ઇરાકની એરસ્પેસ પણ બંધ કરી દેવામાં આવતાં ઇન્ટરનેશનલ નાગરિક ઉડ્ડયન પરિવહન લગભગ ખોરવાઇ ગયું છે.
ભારતમાં એર ઇન્ડિયાએ તેની ૧૬ ફલાઇટ્સને અન્યત્ર વાળવાની ફરજ પડી હતી. આ જ રીતે ન્યુ યોર્કથી દિલ્હી અને મુંબઇ આવતી ફલાઇટ્સ પર પણ અસર પડી છે. દિલ્હી અને મુંબઇ થી રવાના થતી લંડન અને ન્યુયોર્ક તથા અન્ય ઇન્ટરનેશનલ ફલાઇટ્સની કામગીરી પર પણ ઇરાનના એર સ્પેસ બંધ કરવાના નિર્ણયની અસર પડી છે.


