Get The App

મહારાષ્ટ્રમાં શોક વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટ વહેલી તકે સુનાવણી માટે તૈયાર

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં શોક વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટ વહેલી તકે સુનાવણી માટે તૈયાર 1 - image


Air India Plane Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના (12 જૂન 2025) સાથે જોડાયેલી અરજીઓની વહેલી તકે સુનાવણી કરશે. એક સામાજિક સંસ્થાએ જાહેર હિતની અરજી (Public Interest Litigation) દાખલ કરી છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થયું છે. 

જાહેર હિતની અરજી કરાઈ હતી 

સુપ્રીમ કોર્ટ આજે બુધવારે એક NGO દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાની સંમતિ આપી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 12 જૂને થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની સત્તાવાર તપાસમાં નાગરિકોના જીવનના અધિકાર, સમાનતાના અધિકાર અને મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. 

260 લોકોના થયા હતા મોત

12 જૂન 2025ના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ એર ઇન્ડિયા બોઇંગ 787-8  વિમાન સંખ્યા AI171, જે લંડનના ગેટવિક માટે અમદાવાદથી ઉડાન ભરી રહ્યું હતું, ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડમાં તે દુર્ઘટનાનું શિકાર થઈ ગયું હતું. જેમાં કુલ 260 લોકોના મોત થયા હતા જેમાં 241 મુસાફરો હતા અને બાકીના ક્રૂ સભ્યો હતા. ફ્લાઇટનું સંચાલન પાયલટ ઇન કમાન્ડ કૅપ્ટન સુમિત સભરવાલ અને કો પાયલટ કૅપ્ટન ક્લાઇવ કુંદર કરી રહ્યા હતા. 

વહેલી તકે સુનાવણી કરીશું: સુપ્રીમ કોર્ટ

NGOની PIL બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બુધવારે SIR સંબંધિત અરજીઓનું સુનાવણી પૂર્ણ થશે, અમે તમને એક નજીકની તારીખ આપીશું, મહત્ત્વનું છે કે ગયા વર્ષે 13 નવેમ્બરે ઉચ્ચ કોર્ટે કહ્યું હતું કે દુર્ઘટના સંબંધિત AAIBના પ્રાથમિક રિપોર્ટમાં દિવંગત પાયલટ કૅપ્ટન સુમિત સભરવાલને દોષિત નથી માનવવામાં આવ્યા. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક DGCAને નોટિસ ફટકારી હતી. જે કૅપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આધારિત હતી. 

કેન્દ્રએ હજુ સુધી જવાબ દાખલ કર્યો નથી

બુધવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચને જાહેર હિતની અરજી કરનાર NGO 'સેફટી મેટર્સ ફાઉન્ડેશન' તરફથી દાવો કરનાર વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, અત્યાર સુધી કેન્દ્ર સરકારે અને વિમાન દુર્ઘટના તપાસ બોર્ડ(AAIB)એ કોઈ પણ અરજી પર પોતાનો જવાબ દાખલ કર્યો નથી, પાયલટ સંઘનું કહેવું છે કે બોઇંગ 787 વિમાનમાં સમસ્યા છે તેને ગ્રાઉન્ડ કરી દેવા જોઈએ.

પાયલટોની વાતચીત અને ભૂલનો કરાયો હતો દાવો

મહત્ત્વનું છે કે ગત જુલાઈ 2025માં અમેરિકાના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં પાયલટોની વાતચીતનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં દાવો હતો કે, 'કોકપિટમાં બન્ને પાયલટો વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે વિમાનની ફ્યુઅલ સ્વિચ કૅપ્ટન પાયલટ દ્વારા જ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે વિમાનના ફર્સ્ટ ઑફિસ પાયલટે સીનિયર પાયલટને સવાલ કર્યો કે તમે ફ્યુઅલ સ્વિચ કેમ બંધ કરી તો સીનિયર પાયલટે તેનો કોઈ જવાબ નહોતો આપ્યો અને શાંત રહ્યો હતો. આ દરમિયાન ફર્સ્ટ ઑફિસર પાયલટ ઘણી ચિંતામાં હતા. વધુ અનુભવને કારણે કોકપિટની કમાન સીનિયર પાયલટના હાથમાં હતી, કોકપિટમાં થયેલી વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે ફ્લુઅલ સ્વિચ તેમણે જ બંધ કરી હતી. અમેરિકન મીડિયાએ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના પ્રાથમિક રિપોર્ટના આધારે આ દાવો કર્યો  હતો

જો કે બાદમાં AAIB એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં પ્રાથમિક રિપોર્ટના આધારે કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર ના પહોંચી શકાય. જે પણ લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે તેમના પરિવાર પ્રત્યે સંવેદનશીલતા અને સન્માન રાખવું જરૂરી છે. તપાસ ચાલી રહી છે એવામાં હાલ કોઈ પણ નિષ્કર્ષ પર ના પહોંચી શકાય. ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલોટ્સે પણ અમેરિકન મીડિયાના દાવા ફગાવ્યા હતા અને કહ્યું હતું કે વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ પાયા વિહોણો છે, તેની સામે કાયદેસર પગલાં લેવાના પ્રયાસો કરીશું. સંગઠને કહ્યું હતું કે પ્રાથમિક તપાસ રિપોર્ટમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે પાયલટ દ્વારા જ સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી.