નેપાળમાં સ્થિતિ બેકાબૂ થતાં કાઠમંડુ જતી ફ્લાઇટ રદ, ભારતીયોને ઍલર્ટ રહેવા સૂચના, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Protest India Advisory: ભારતની ટોચની એરલાઇન એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલનને ધ્યાનમાં લેતાં દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઇટ કેન્સલ કરી છે. ભારત સરકારે પણ નેપાળમાં રહેતાં ભારતીયો તેમજ ભારતીય પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
કાઠમંડુની ફ્લાઇટ કેન્સલ કરાઈ
એર ઇન્ડિયાએ કાઠમંડુની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં નિવેદન આપ્યું છે કે, દિલ્હીથી કાઠમંડુ જતી AI2231/2232, AI2219/2220, AI217/218 અને AI211/212 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયા ખાતે અમે અમારા પેસેન્જર અને ક્રૂ સભ્યોની સલામતીને પ્રાધાન્ય આપીએ છીએ. પરિસ્થિતિનું નજીકથી નીરિક્ષણ કરી રહ્યા છીએ. વધુ વિગતો અને માહિતી રજૂ કરતાં રહીશું. ઇન્ડિગોએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ મારફત પોતાની કાઠમંડુથી દિલ્હી અને દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઇટ રદ કરી હોવાનું જણાવ્યું છે. ઇન્ડિગોએ જણાવ્યું કે, પેસેન્જરને ફ્લાઇટનો વિકલ્પ તેમજ રિફંડ વેબસાઇટ પરથી પાછું આપવામાં આવશે. અમે ગ્રાહકોને સત્તાવાર માધ્યમો સાથે જોડાયેલા રહેવા અપીલ કરીએ છીએ. પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નેપાળની કોઈ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે નહીં.
ભારતીયોને સતર્ક રહેવા અપીલ
ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. નેપાળમાં રહેતાં ભારતીયોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સ્થાનિક અધિકારીઓના આદેશનું પાલન કરવા અપીલ કરી છે. નેપાળમાં કરફ્યુ વચ્ચે નેપાળમાં રહેતા અને નેપાળ ફરવા ગયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. નેપાળમાં કોઈપણ પ્રકારની મદદ માટે ભારતીયો કાઠમંડુમાં સ્થિત ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધી શકે છે. જેના હેલ્પલાઇન નંબર 977-980 860 2881 અને 977- 981 032 6134 છે. આ નંબર પર વોટ્સએપ કોલ પર પણ થઈ શકશે.
નેપાળ Gen Z આંદોલને સરકાર ઉથલાવી
નેપાળમાં Gen-Z આંદોલને સરકાર ઉથલાવી દીધી છે. વડાપ્રધાન કે પી શર્મા ઓલી અંતે રાજીનામું આપવા મજબૂર બન્યા હતા. ઓલી સરકારના નવથી વધુ મંત્રીઓએ ધડાધડ રાજીનામા જાહેર કર્યા હતા. જો કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ છેડાયેલું આ આંદોલન અટકવાનું નામ લઈ રહ્યું નથી. આંદોલનકારીઓએ સંસદને આગ ચાંપી હતી. ડેપ્યુટી પીએમ સહિત અનેક મંત્રીઓને દોડાવી-દોડાવીને માર્યા હતા. ઉલ્લેખનીય છે, નેપાળની આર્થિક સ્થિતિ ભૂકંપની દુર્ઘટના બાદ સતત વણસી છે. નેપાળવાસીઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબીનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ રાજકારણીઓ ઠાઠમાઠનું જીવન જીવી રહ્યા હોવાથી યુવાનોમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી હતી. ગઈકાલે શરુ થયેલા આ આંદોલનમાં 20 યુવાનના મોત થયા હતા. જ્યારે 300 લોકો ઘાયલ થયા હતા.