એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
Air India Flight Turn Back Due To Technical Issue: અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ ફ્લાઈટમાં ખામીની સમસ્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે હોંગકોંગથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા પાઇલટે તેને પાછી હોંગકોંગ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી.
એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનરની ફ્લાઈટ AI 315 હોંગકોંગથી દિલ્હી આવવા રવાના થઈ હતી. પરંતુ અચાનક હવામાં જ ટેક્નિકલ ખામીની જાણ થતાં પાઇલટે યુ-ટર્ન લઈ ફ્લાઈટને હોંગકોંગ પાછી વાળી હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે.
ફ્લાઈટ્સમાં સમસ્યાઓ વધી
થાઈલેન્ડમાં પણ 13 જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. આ લેન્ડિંગ પાછળનું કારણ ફ્લાઈટમાં બોમ્બની ધમકી હતી. અગાઉ પણ બોમ્બની ધમકીને કારણે લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં હૈદરાબાદ જતી લુફ્થાન્સાની ફ્લાઇટને યુ-ટર્ન લઈને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર પરત ફરવાની ફરજ પડી હતી. ગઈકાલે રવિવારે સવારે સાઉદી એરલાઈનના વિમાનના પૈડાંમાંથી પણ લેન્ડિંગ સમયે આગના તણખલાં અને ધુમાડા નીકળ્યા હતાં.