બ્રિટનના બર્મિંઘમમાં અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના ટળી
બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮માં બધી સિસ્ટમ કામ કરતી હોવા છતાં રેટ એક્ટિવ થવા અંગે ડીજીસીએનો તપાસનો આદેશ
એરઈન્ડિયાની બોઈંગ ડ્રીમલાઈનર ફ્લાઈટ અમૃતસરથી બર્મિંઘમ જઈ રહી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-૧૧૭ બર્મિંઘમમાં પહોંચવાના અંતિમ તબક્કામાં હતી ત્યારે લેન્ડિંગ પહેલાં હવામાં જ અચાનક રેમ એર ટર્બાઈન (રેટ) સક્રિય થઈ ગઈ હતી. જોકે, ફ્લાઈટનું સફળતાપૂર્વક ઈમર્જન્સી લેન્ડિંગ થઈ ગયું હતું અને બધા જ પ્રવાસીઓ તથા ક્રૂ સુરક્ષિત હતા. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, વિમાનમાં ખામી જણાતા બર્મિંઘમ-દિલ્હી ફ્લાઈટ રદ કરી દીધી હતી અને પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ હતી.
એર ઈન્ડિયાએ જણાવ્યું કે, અમૃતસરથી બર્મિંઘમ જતી ફ્લાઈટ એઆઈ-૧૧૭ના ઓપરેટિંગ ક્રૂએ ૪ ઑક્ટોબરના રોજ વિમાનના અંતિમ તબક્કામાં રેમ એર ટર્બાઈનમાં ગડબડ જોઈ હતી. આ સમયે બધા જ ઈલેક્ટ્રોનિક અને હાઈડ્રોલિક પેરામીટર સામાન્ય જણાયા હતા. વિમાનને આગળની તપાસ માટે ત્યાં જ રોકી દેવાયું છે.
આ વર્ષે જૂનમાં અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પણ બોઈંગનું ડ્રીમલાઈનર ૭૮૭-૮ મોડેલ હતું, જેમાં રેટ પાવર સિસ્ટમ તૈનાત હતી. અમદાવાદ એર ઈન્ડિયા અકસ્માતમાં વચગાળાની તપાસમાં જણાયું હતું કે, ઈંધણ પૂરવઠામાં અવરોધોના કારણે એન્જિન બંધ થઈ ગયા હતા, જેથી ઈમર્જન્સી તંત્ર સક્રિય થઈ ગયું હતું.
એક અહેવાલ મુજબ એર ઈન્ડિયાના આ વિમાન અકસ્માત સમયે બંને એન્જિન અથવા હાઈડ્રોલિક-ઈલેક્ટ્રિક ફેલ્યોર અથવા સોફ્ટવેર સાથે ચેડાંની સંભાવનાને પણ અકસ્માતના સંભવિત કારણ તરીકે જોવામાં આવે છે. આ અકસ્માતમાં વિમાનના ૨૪૧ પ્રવાસી સહિત કુલ ૨૬૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કેટલાક અહેવાલ મુજબ અમદાવાદમાં વિમાન અકસ્માત પહેલાં રેટ સક્રિય થઈ ગયું હતું. વધુમાં સમાજના કેટલાક વર્ગ દ્વારા ડ્રીમલાઈનરની સુરક્ષા અંગે પણ સવાલ ઉઠાવાયા હતા.
- રેમ એર ટર્બાઈન શું છે?
સામાન્ય સંજોગોમાં વિમાનમાં બંને એન્જિન ફેઈલ થઈ જાય અથવા ઈલેક્ટ્રોનિક અથવા હાઈડ્રોલિક સંપૂર્ણપણે ફેઇલ થઈ જાય ત્યારે ઓટોમેટિક રેટ સક્રિય થઈ જાય છે. તે ઈમર્જન્સી પાવર જનરેટ કરવા પવનની ગતિનો ઉપયોગ કરે છે. માત્ર ગંભીર પરિસ્થિતિમાં જ રેટ સક્રિય કરાય છે.


