Get The App

એર ઈન્ડિયા એક્સપ્રેસે વિમાન એન્જિન રિપેરિંગનો ખોટો રિપોર્ટ બનાવ્યો

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
એર ઈન્ડિયા એક્સપ્રેસે વિમાન એન્જિન  રિપેરિંગનો ખોટો રિપોર્ટ બનાવ્યો 1 - image


- કંપનીએ DGCAના આદેશની અવગણના કરી

નવી દિલ્હી : એર ઈન્ડિયા એક્સપ્રેસને લઈને નવો વિવાદ જાગ્યો છે. આ એરલાઈન્સે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનની ભલામણ છતાં એરબસ એ-૩૨૦ના વિમાનના એન્જિનમાં રિપેરિંગ કર્યું ન હતું. રેકોર્ડ બહેતર રાખવા કંપનીએ માત્ર કાગળ પર સમયસર રિપેરિંગ થઈ ગયાનું કહી દીધું હતું.

એર ઈન્ડિયા એક્સપ્રેસના એરબસ એ-૩૨૦ વિમાનમાં એન્જિનના અમુક પાર્ટ્સ બદલવાની ભલામણ યુરોપિયન યુનિયનની વિમાન સુરક્ષા એજન્સીએ કરી હતી. ભારતની હવાઈ ઉડ્ડયનની નિયમન કરતી એજન્સી ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએના ધ્યાનમાં આવ્યું કે યુરોપની એજન્સીએ એર લાઈન્સને એરબસ એ-૩૨૦ વિમાનમાં રિપેરિંગ કરવાની ભલામણ કરી પછીય કંપનીએ રિપેરિંગ કર્યું નહીં. એટલું જ નહીં, રિપેરિંગ સમયસર થયું છે એમ દર્શાવવા માટે રિપોર્ટમાં ગરબડ કરી અને કાગળ પર જ રિપેરિંગ બતાવી દીધું. ડીજીસીએના ધ્યાનમાં આવ્યા બાદ કંપની પાસે ખુલાસો પૂછાયો હતો.

આ ઘટના પછી કંપનીએ આરોપોનો કોઈ ખુલાસો કર્યો ન હતો, પરંતુ ક્વોલિટી મેનેજરને પદ પરથી હટાવી દેવાયા હતા. એર વર્થિનેસ મેનેજર સામેય કાર્યવાહી કરી હતી. એર ઈન્ડિયાના સંચાલનમાં છેલ્લાં ઘણાં સમયથી કેટલાય છબરડા થઈ રહ્યા હોવાનું અહેવાલોમાં કહેવાયું હતું. આંકડાં પ્રમાણે ૨૦૨૩માં કુલ ૨૩ મામલોમાં એરલાઈન્સને ચેતવણી આપવામાં આવી હતી. એમાંથી ૧૧ તો એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના હતા. 

Tags :