Get The App

દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી 1 - image


તસ્વીર સોશિયલ મીડિયા

Delhi Airport Plane Accident : દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે સવારે એર ઇન્ડિયાનું એક વિમાન બેગેજ કન્ટેનર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. એરલાઇન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગાઢ ધુમ્મસના કારણે જ્યારે એરબસ A350 વિમાનને પાર્કિંગમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં વિમાનના એન્જિનને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

માર્ગ બદલીને પરત આવ્યું હતું વિમાન

એરબસ A350 ની ફ્લાઇટ AI101 દિલ્હીથી ન્યૂયોર્ક વચ્ચે સંચાલિત થાય છે. જોકે, ઈરાની હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ હોવાના કારણે ફ્લાઇટને પોતાનો માર્ગ બદલવો પડ્યો હતો અને તે પરત દિલ્હી આવી પહોંચી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, જ્યારે પ્લેન ટેક્સી (Taxiing) કરી રહ્યું હતું ત્યારે તે બેગેજ કન્ટેનર સાથે ટકરાયું હતું. આ ટક્કરથી પ્લેનના ડાબા એન્જિનમાં નુકસાન થયું છે.

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા

એરલાઇનના જણાવ્યા અનુસાર, ઘટના બાદ વિમાનને સુરક્ષિત રીતે પાર્કિંગ બે (Parking Bay) પર ઊભું કરી દેવામાં આવ્યું છે. વિમાનને તપાસ અને સમારકામ માટે હાલ 'ગ્રાઉન્ડ' (Ground) કરવામાં આવ્યું છે. એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ વિમાન ઉપલબ્ધ ન હોવાને કારણે એરબસ A350 ના અન્ય કેટલાક ઉડ્યનો પર પણ અસર પડી શકે છે. પ્રભાવિત મુસાફરો માટે એરલાઇન દ્વારા વૈકલ્પિક મુસાફરી અથવા સંપૂર્ણ રિફંડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.