AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર કોંગ્રેસનો મોટો આરોપ, ECને કરી ફરિયાદ
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જી નિરંજને આ મામલે ચૂંટણી આયોગને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી
હૈદરાબાદ, તા. 07 જાન્યુઆરી 2023, શનિવાર
તેલંગાણામાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા જ કોંગ્રેસે ઓવૈસી સામે મોર્ચો ખોલી દીધો છે. પીસીસી ચીફે આરોપ લગાવ્યો છે કે, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જી નિરંજને આ મામલે ચૂંટણી આયોગને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે.
તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ જી નિરંજને ચૂંટણી આયોગને લખેલા એક પત્રમાં દાવો કર્યો છે કે, હૈદરાબાદના સાંસદ રાજેન્દ્ર નગર અને ખૈરતાબાદ વિધાનસભા વિસ્તારમાં એક મતદાતા તરીકે નોંધાયેલા છે. નિરંજને બંને મતક્ષેત્રની મતદાર યાદીને ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનો દાવો કરતા કહ્યું કે, તે સંસદના એક ચૂંટાયેલા સભ્યની બેજવાબદારી અને અંતિમ મતદાર યાદીના પ્રકાશનમાં ચૂંટણી મશીનરીની બેદરકારી દર્શાવે છે.
તેલંગાણા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી આયોગને AIMIMના પ્રમુખ સામે કાર્યવાહીની માંગ કરી છે. હૈદરાબાદના સાંસદ પર કોંગ્રેસ પાર્ટીના આરોપો બાદ તેલંગાણા ચૂંટણી પહેલા રાજકીય હોબાળો મચાવાની તૈયારી છે.
2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાના ગઠને કાયમ રાખ્યા બાદ ઓવૈસી 2004થી હૈદરાબાદના સાંસદ છે. તેમના પિતા સુલ્તાન સલાહુદ્દીન ઓવૈસી 1984થી 2004 સુધી 6 ટર્મ માટે સાંસદ રહ્યા હતા.