Get The App

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે 1 - image

- વીજમાંગને પહોંચી વળવા જૂના વીજ પ્લાન્ટ ફરી ચાલુ કરવા પડશે

- એઆઇએ ઉર્જા વાપરવામાં પણ સ્માર્ટ બનવું પડશે, ઘણાં દેશમાં એઆઇ ઉર્જા નીતિનો હિસ્સો ગણાવા માંડયો

નવી દિલ્હી : દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇ એજન્ટ્સ-દ્વારા કામ કરાવવાનો મોહ વધતો જાય છે તેની પાછળ વીજળી પણ મોટાં પ્રમાણમાં વપરાય છે. જેને કારણે સંજોગો એવા સર્જાયા છે કે વીજળીની ખપતના મામલે એઆઇની  ગણતરી હવે એક દેશની જેમ કરવામાં આવે છે. હકીકત તો એ છે કે ઘણંાં દેશના વીજવપરાશ કરતાં એઆઇનો વીજ વપરાશ અનેકગણો વધી ચૂક્યો છે અને યુરોપ અને યુએસમાં તો એઆઇ દ્વારા વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વીજ કંપનીઓને જુના વીજ પ્લાન્ટ ફરી શરૂ કરવાની નોબત આવી છે.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી યાને આઇઇએના અંદાજ અનુસાર ૨૦૩૦ સુધીમાં એઆઇ અને તેને સંલગ્ન ડેટા સેન્ટર્સ દ્વારા વીજ વપરાશ ૯૪૫ ટેરાવોટ અવર સુધી પહોંચી જશે.હાલ નોર્વે જેવા દેશ વર્ષે ૧૩૦થી ૧૪૦ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરે છે. જ્યારે પોર્ટુગલ ૫૦ અને ન્યુ ઝીલેન્ડ ૪૫ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એઆઇને જો દેશ ગણીએ તો તે વીજ વપરાશને મામલે ઘણાં દેશોથી આગળ નીકળી જશે. નોર્વે જેવા દેશમાં પુરી વસ્તી, ઉદ્યોગ અને પરિવહન પાછળ વપરાતી કુલ વીજળી કરતાં ભવિષ્યમાં માત્ર એઆઇ અનેકગણી વધારે વીજળી વાપરશે. 

એઆઇ ચલાવવા માટે વિશાળ ડેટા સેન્ટર્સની જરૂર પડે છે. જેમાં લાખો સર્વરચોવીસે કલાક ચાલે છે. આમ, જ્યારે તમે એઆઇને કોઇ સવાલ કરો ત્યારે સર્વર સક્રિય બને છે અને આ સર્વર જેટલું કામ કરે તેટલી ઝડપથી તે ગરમ થાય છે. આ સર્વરને પણ ઠંડા રાખવા માટે મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. આજ કારણે એઆઇનો વપરાશ વધવા સાથે વીજળીની માંગ પણ સતત વધી રહી છે. આઇઇએના અંદાજ અનુસાર ૨૦૨૪થી ૨૦૩૦ દરમ્યાન આ એઆઇ ડેટા સેન્ટર્સમાં વીજળીનો વપરાશ દર વર્ષે ૧૫ ટકાના દરે વધશે. અન્ય કોઇપણ સેક્ટર કરતાં વીજવપરાશની આ ગતિ અનેકગણી વધારે છે. 

આજકાલ ડેટા સેન્ટર્સનો ઉપયોગ એઆઇ મોડલ્સ ચલાવવા માટે થાય છે. સંશોધન અનુસાર હાલ ડેટા સેન્ટર્સની કુલ વીજ ખપતનો એક મોટો હિસ્સો એઆઇ સર્વર્સમાં જાય છે. આગામી વર્ષોમાં આ હિસ્સો ઝડપથી વધતો જશે. તેમ તેમાં વપરાતી વીજનું પ્રમાણ પણ વધતું જશે. નવા એઆઇ ડેટા સેન્ટર્સની વીજ માંગ વધવાને કારણે યુએસ અને યુરોપમાં ઘણી જગ્યાએ વીજકંપનીઓને તેમના જુના વીજપ્લાન્ટ ફરી શરૂ કરવાની નોબત આવી છે. યુએસના ઘણાં રાજ્યોમાં ગ્રીડ પણ દબાણ એટલું વધી ગયું છે કે નવી ફેકટરીઓ અને હાઉસિંગ પ્રોજેક્ટને વીજજોડાણો આપવામાં મુશ્કેલી પડી રહી છે. 

સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં વીજળી આવશે ક્યાંથી? જો આ વીજળી કોલસો કે ગેસ વાપરી મેળવવામાં આવશે તો કાર્બન ઉત્સર્જન વધશે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઓર વકરશે. જો આ વીજળી રિન્યુએબલ સોર્સમાંથી મેળવવામાં આવશે તો તેના માટે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં મોટું મૂડીરોકાણ કરવું પડશે. આમ, અનેક દેશ એઆઇને હવે ટેકનોલોજી ઉપરાંત ઉર્જા નીતિનો પણ મહત્વનો હિસ્સો ગણવા માંડયા છે.એઆઇ આમ ડિજિટલ દુનિયાની સાથે સાથે વીજ વ્યવસ્થાને પણ બદલી રહ્યું છે. હાલ ઘણી કંપનીઓ એફિશિયન્ટ ડેટા સેન્ટર્સ બનાવવાની દિશામાં કામ કરી રહી છે પણ હજી તેમાં ઘણું કામ થવાનુ ંબાકી છે. એઆઇએ હવે સ્માર્ટ રીતે વીજવપરાશ કરવામાં પણ તેની કુનેહ બતાવવી પડશે.