Get The App

એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે 1 - image


- પેન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચથી ગોપનીયતા જોખમાશે

- હાઈટેક રડારથી ફોન પર વાત કરતી વખતે ઈયરપીસમાંથી નીકળતા કંપનને ડિકોડ કરવામાં 60 ટકા સફળતા મળી

નવી દિલ્હી : પેન સ્ટેટ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ સંશોધકોએ એક એવી નવી ટેકનીક વિકસાવી છે જેનાથી દસ ફીટના અંતરેથી પણ ફોન પર થઈ રહેલી વાતચીતને સાંભળી શકાશે અને ડિકોડ કરી શકાશે. આ સંશોધનમાં મિલિમીટર વેવ રડાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)નો ઉપયોગ કરાયો હતો. સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, મોશન ડિટેક્શન અને ફાઈવ જી નેટવર્કમાં ઉપયોગમાં લેવામાં આવતું રડાર ફોન પર થતી વાતચીત દરમ્યાન ઈયરપીસમાંથી નીકળતા અત્યંત હળવા કંપનોને પણ પકડી લે છે. 

એઆઈ આ કંપનોને પ્રોસેસ કરીને વાતચીતને ટેક્સ્ટમાં બદલી નાખે છે. સંશોધકોએ ત્રણ મીટરના અંતરે આ સીસ્ટમનું પરીક્ષણ કર્યું જેમાં લગભગ ૬૦ ટકાની ચોકસાઈથી વાતચીત ડિકોડ કરવામાં સફળતા મળી. ટ્રાયલમાં એઆઈએ દસ હજાર શબ્દો સુધી વાતચીતને કેપ્ચર કરી જેમાં મોટાભાગની સાચી સાબિત થઈ.

રિસર્ચ ટીમના સભ્યોએ જણાવ્યું કે આ ટેકનીક લિપ રીડિંગની જેમ કામ કરે છે, પણ તેમાં ધ્વનિની બદલે કંપનનો ઉપયોગ કરાય છે. હાલ  તો આ ટેકનીક સો ટકા સફળ નથી થઈ, પણ સંવેદનશીલ જાણકારીઓ લીક કરવા માટે પર્યાપ્ત છે. ભવિષ્યમાં તેની ચોકસાઈ વધી જશે તો  લોકોની પ્રાયવસી માટે ગંભીર જોખમ ઊભુ થઈ શકે છે.

આ ટેકનીક દ્વારા સ્પાઈવેર વિના જ વાતચીત સાંભળવી શક્ય બને છે જેનાથી પેગાસસ જેવા વિવાદાસ્પદ ટૂલ્સની જરૂર નથી રહેતી. જો કે તેનો હેતુ લોકોને જાગરુક કરવાનો છે, જેથી તેઓ સંવેદનશીલ વાતચીત કરતી વખતે ધ્યાન રાખે. સંશોધકોએ ચેતવણી આપી છે કે આ ટેકનીકનો ઉપયોગ બદઈરાદા ધરાવતા લોકો દ્વારા પણ થઈ શકે છે જેના પરિણામે પ્રાયવસીના ઉલ્લંઘનના કિસ્સા વધી જવાની સંભાવના છે.

Tags :