- માનવીનો મહિલાઓ પ્રત્યે ભેદભાવ, વંશીય માનસિકતાની એઆઇએ કોપી કરી : સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ
- એઆઇ માનવી પાસેથી જ મેળવેલા અવગુણોને વધુ ઝડપથી ફેલાવશે, સમાજ પર ખરાબ અસર કરશે : યુએન
- એઆઇના 12000 ડેટા સેન્ટરો, અઢળક વીજળી-પાણી ભરખી રહ્યા છે, પર્યાવરણને નુકસાનનો રિપોર્ટ જાહેર કરે : યુએન વડા
લંડન/વોશિંગ્ટન/નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇને લઇને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આ એઆઇ માનવી પાસેથી તમામ પ્રકારના ભેદભાવો શીખી રહ્યું છે. જેને પગલે હાલમાં સમાજમાં જે ભેદભાવ અને હિંસા ફેલાયેલ છે તેમાં વધારો કરી રહ્યું છે તેવી ચેતવણી પણ આ રિપોર્ટમાં આપવામાં આવી છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેષે કહ્યું હતું કે એઆઇ કંપનીઓએ વીજળી, પાણી અને જમીનના ઉપયોગથી પર્યાવરણને શું નુકસાન થઇ રહ્યું છે તેનો વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવો જોઇએ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ માનવીય વાણી વ્યવહારોની કોપી કરવા લાગ્યું છે. એટલુ જ નહીં માનવી પાસેથી જ મહિલાઓ-પુરુુષો વચ્ચેના ભેદભાવો, વંશીય ભેદભાવો શીખી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતો દ્વારા આશરે ૧૩૩ એઆઇ સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૪૪ ટકા સિસ્ટમ એવી નીકળી કે જેમાં મહિલાઓ પ્રત્યે પૂર્વાગ્રહ જોવા મળ્યો.
જ્યારે ૩૦ ટકા સિસ્ટમમાં લિંગભેદની સાથે વંશીય ભેદભાવ પણ જોવા મળ્યો. લાર્જ લેંગ્વેજ મોડેલ્સ એલએલએમમાં વારંવાર મહિલાઓને માત્ર ઘર, પરિવાર અને બાળકો સાથે જ જોડવામાં આવી રહી હતી, જ્યારે પુરુષોને બિઝનેસ, લીડરશિપ કે કારકિર્દીમાં સફળ વ્યક્તિ તરીકે દેખાડવામાં આવી રહ્યા હતા.
કેટલાક કેસોમાં એઆઇ સિસ્ટમ મહિલાઓને માત્ર શારીરિક સંબંધ બાંધવા માટેની વસ્તુ અથવા તો પુરુષોને આધિન દેખાડવામાં આવે છે.
કેટલાક કેસોમાં તો મહિલાઓને માત્ર સંપત્તિ અથવા તો કોઇ વસ્તુ તરીકે જ જોવામાં આવે છે. એઆઇનો મુખ્યત્વે ઉપયોગ ઇમેલ લખવા, પ્રેઝન્ટેશન તૈયાર કરવા, કન્ટેન્ટ તૈયાર કરવા, લાખો લોકોના સવાલોનો જવાબ આપવા માટે થાય છે. આ દરમિયાન ભેદભાવવાળા એલ્ગોરિધમને કારણે એઆઇ પણ ભેદભાવ કરતુ થઇ ગયું છે.
એઆઇ આ બધુ જ ઇન્ટરનેટ પરથી શીખી રહ્યું છે કે જેનો ઉપયોગ માનવી કરી રહ્યો છે અને માનવી આ બધા જ ભેદભાવો ધરાવે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ડિજિટલ ટેક્નોલોજી પર મહિલા લીડ તરીકે જાણિતા જયતમા વિક્રમનાયકેએ કહ્યું હતું કે વર્ષો સુધી માનવીએ જે ભેદભાવવાલી માનસિકતા સાથે લખાણ લખ્યા છે તે હવે એઆઇ કોપી કરી રહ્યું છે.
મહિલાઓ પહેલાથી જ ઓનલાઇન ભેદભાવ અને અન્યાયનો શીકાર બની રહી છે એવામાં એઆઇ આ અત્યાચાર કે અન્યાય અથવા શોષણને વધુ સરળ બનાવી રહ્યું છે. બીજી તરફ એઆઇના ડેટા સેન્ટર પર બહુ જ મોટા પ્રમાણમાં પાણી, વીજળી અને જમીનનો ઉપયોગ થઇ રહ્યો છે. જેને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે. એવામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયોએ કહ્યું છે કે એઆઇ કંપનીઓએ પોતાના કાર્બન ઉત્સર્જનનો રિપોર્ટ જાહેર કરવો જોઇએ. કંપનીઓ દ્વારા વીજળી, પાણી, જમીન વગેરેનો જે ઉપયોગ થઇ રહ્યો છે તેનો રિપોર્ટ આપવો જોઇએ.
લંડનમાં ક્લાઇમેટ એક્શન વીકને સંબોધતી વખતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે એઆઇને કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એઆઇ પર્યાવરણ સંલગ્ન પારદર્શીતા અને ઇનિશિએટિવ પર એક પ્રસ્તાવ પણ રજુ કર્યો હતો. યુએનના વડાએ વધુમાં કહ્યું હતું કે જ્યાં પણ ડેટા સેન્ટરો આવેલા છે ત્યાં સ્થાનિક સ્તરે લોકોમાં ચિંતા વધી રહી છે. આંકડા મુજબ હાલ દુનિયાભરમાં ૧૨૦૦૦થી વધુ ડેટા સેન્ટરો આવેલા છે, પુરી દુનિયામાં વપરાતા વીજળી પાણીમાં બેથી ત્રણ ટકા હિસ્સો વાપરી રહ્યા છે.


