Get The App

નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર 'સુપર સ્વચ્છ'

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર 'સુપર સ્વચ્છ' 1 - image


- જૂના રેકિંગ મુજબ ગયા વર્ષે અમદાવાદ પાંચમા ક્રમે હતું

- ત્રણથી દસ લાખની વસતિ ધરાવતા શહેરોમાં નોઈડા પ્રથમ ક્રમે, નાના-મોટા 4500 સિટીના 14 કરોડ લોકોએ સ્વચ્છતા સર્વેમાં ભાગ લીધો

નવી દિલ્હી : સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ જાહેર થયું હતું. દેશભરના નાના-મોટા ૪૫૦૦ શહેર-ટાઉનના ૧૪ કરોડ લોકોએ ફેસ ટુ ફેસ, ઓનલાઈન સ્વચ્છતા એપ, માય ગવર્નમેન્ટ ને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. આ વર્ષે નવી રેકિંગ સિસ્ટમ લાગુ પાડવામાં આવી હતી. એ રેન્કિંગ પ્રમાણે ૫૦ હજારથી ત્રણ લાખની વસતિ ધરાવતા શહેરો,  ત્રણ લાખથી દસ હજાર અને દસ હજારથી વધુ વસતિ ધરાવતા શહેરોનો સમાવેશ જુદી જુદી કેટેગરીમાં કરાયો હતો. તે ઉપરાંત સ્પેશિયલ કેટેગરીના શહેરોને પણ રેન્કિંગ અપાયું હતું.

૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા સ્વચ્છ મોટા શહેરોની શ્રેણીમાં દેશના ૫૦ મોટા શહેરોનો સમાવેશ થતો હતો. એ શ્રેણીમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. બીજા નંબરે મધ્યપ્રદેશનું ભોપાલ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉ રહ્યું હતું. આ શ્રેણીમાં સૌથી તળિયાના ક્રમે મદુરાઈ રહ્યું હતું. છેક ૩૯મો ક્રમ લુધિયાનાને અને ૩૮મો ક્રમ ચેન્નાઈને મળ્યો હતો.

આ વર્ષે નવી ઉમેરાયેલી કેટેગરી સુપર સ્વચ્છ લીગ સિટીમાં પ્રથમ નંબર ઈન્દોરને મળ્યો હતો. સ્વચ્છતાના રેન્કિંગમાં ઈન્દોર છેલ્લાં આઠ વર્ષથી પ્રથમ નંબરે રહે છે. એ પછી સૂરત બીજા ક્રમે, નવી મુંબઈ ત્રીજા ક્રમે અને વિજયવાડા ચોથા નંબરે રહ્યા હતા. આ કેટેગરીમાં કુલ ૨૩ શહેરોનો રેન્કિંગમાં સમાવેશ થયો હતો. ઓછી વસતિ ધરાવતા શહેરોમાં નોઈડાનો પ્રથમ નંબર હતો. ચંદીગઢ અને મૈસૂર બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. એ જ શ્રેણીમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર ચોથા સ્થાને રહ્યું હતું. તિરુપતિ, અંબિકાપુર અને લોનાવાલા ૫૦ હજારથી વધુની વસતિ હોય એવા શહેરોમાં ટોચના સ્થાને રહ્યા હતા. ઉત્તર પ્રદેશની સરકારને સ્પેશિયલ કેટેગરીમાં સન્માન આપવામાં આવ્યું હતું. એ સન્માન પ્રયાગરાજ કુંભમેળાના કચરાના નિકાલ અને સ્વચ્છતા માટે પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પ્રયાગરાજ કુંભમેળા અધિકારીઓને અપાયું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદિ મૂર્મુએ દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ બાદ ચાર કેટેગરીમાં ૭૮ એવોર્ડ આપ્યા હતા. ઈન્દોર, સૂરત અને નવી મુંબઈનો છેલ્લાં કેટલાય વર્ષોથી સ્વચ્છ શહેરોમાં સમાવેશ થવા બદલ વિશેષ ઉલ્લેખ કરાયો હતો.

Tags :