- મારા ભાઇ શેખ મોહમ્મદનું ભારતમાં સ્વાગત : મોદીનું ટ્વીટ
- એઆઇ, ડેટા સેન્ટર, પરમાણુ પાવર મથકો, વેપારને 200 બિલિયન ડોલરે લઇ જવા સહિતના મુદ્દે યુએઇ સાથે સમજૂતી
નવી દિલ્હી : સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સોમવારે ભારતની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ જેમાં અનેક એમઓયુ પર સહી કરવામાં આવી હતી. સાથે જ વિવિધ ક્ષેત્રોમાં એકબીજાને સહયોગ કરવા મુદ્દે સંમતિ બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુલાકાત અંગે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી, તેમણે એક્સ (ટ્વિટર) પર લખ્યું હતું કે હું મારા ભાઇ અને યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યો હતો. તેમની ભારતની આ મુલાકાત બન્ને દેશોની મિત્રતાને વધુ મજબુત બનાવશે. એવા અહેવાલો છે કે બન્ને દેશના વડાઓ વચ્ચે જે બેઠક યોજાઇ તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ, રોકાણ, સંરક્ષણ કોઓપરેશન, સ્પેસ ટેક્નોલોજી વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. યુએઇ ભારત માટે રોકાણ અને વેપાર ક્ષેત્રે મહત્વનો પાર્ટનર દેશ માનવામાં આવે છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવા તેની સુરક્ષા કરવા સહિતના મુદ્દે સંમતિ થઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ચર્ચા થઇ જે મુજબ બન્ને દેશો વચ્ચે સમજુતીથી ભારતમાં સુપરકમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવા માટે પણ સંમતિ થઇ છે. ભારતમાં ડેટા કેપેસિટીનો વિસ્તાર વધારવામાં યુએઇ રોકાણ કરવા માટે તૈયાર થયું છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં ભારતમાં એઆઇ પર ઉચ્ચસ્તરીય સમિટ યોજાવા જઇ રહી છે જેમાં યુએઇ સામેલ થશે. બન્ને દેશો ડેટા અથવા ડિજિટલ એમ્બસી સ્થાપવા માટે પણ વિચારી રહ્યા છે. અબુ ધાબીમાં હાઉસ ઓફ ઇન્ડિયા સ્થાપવા યુએઇ ભારત સાથે સંમત થયું હતું. જેમાં ભારતની સંસ્કૃતિનો સમાવેશ કરતું મ્યૂઝિયમ પણ સ્થાપિત કરાશે.


