આગ્રા મ્યુનિ. કોર્પો.માં 'તાજ મહેલ'નું નામ 'તેજો મહાલય' કરવા થશે વિચારણા
- શોભારામના કહેવા પ્રમામે શાહજહાંની બેગમ મુમતાજ મહલનું અસલી નામ અંજુમ બાનો હતું
આગ્રા, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર
ફરી એક વખત આગ્રા સ્થિત તાજ મહેલનું નામ બદલવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. આગરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે તાજ મહેલનું નામ બદલીને તેજો મહાલય કરવા માટેનો મુદ્દો ગરમાઈ શકે છે. કોર્પોરેશનમાં આજે તાજ મહેલનું નામકરણ કરવા મામલે ચર્ચા થઈ શકે છે. ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠૌરે આજે ચર્ચા માટે પ્રસ્તાવ મુક્યો છે.
શોભારામના પ્રસ્તાવને આજે સદનમાં રાખવામાં આવે અને તેના પર ચર્ચા થાય તેવી શક્યતા છે. જોકે કાયદાકીય પાસાઓ અંગે વિચારણા બાદ જ પ્રસ્તાવને મોકલી શકાશે. આગ્રા મ્યુનિ. કોર્પોરેશનમાં આ પ્રસ્તાવને રજૂ કરવા માટે બપોરના 3:00 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ જાણો તાજ મહેલના વિવાદિત 22 રૂમ અંગે શું માન્યતા છે?
શોભારામે રજૂ કર્યા પુરાવા
આગ્રા કોર્પોરેશનમાં તાજગંજ વોર્ડ 88ના ભાજપના કાઉન્સિલર શોભારામે તાજ મહેલનું નામ તેજો મહાલય કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ તેમણે પોતે જે આધાર પર તાજ મહેલને તેજો મહાલય માને છે તે તથ્યોને પણ રજૂ કર્યા હતા.
મુમતાજ મહલનું અસલી નામ અંજુમ બાનો
શોભારામના કહેવા પ્રમામે શાહજહાંની બેગમ મુમતાજ મહલનું અસલી નામ અંજુમ બાનો હતું. તાજ મહેલના નિર્માણના 22 વર્ષ પહેલા અંજુમ બાનોનું મોત થયું હતું. મુમતાજ મહલ ઉર્ફે અંજુમ બાનોને બુરહાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. તાજ મહેલના નિર્માણ બાદ તેમાં ફરી તેમની કબર બનાવાઈ.
તાજ મહેલ પહેલા શિવ મંદિર હતું
શોભારામે જણાવ્યું કે, તાજ મહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા તમામ નિશાનો ઉપલબ્ધ છે જે તાજ મહેલ પહેલા શિવ મંદિર હોવાનું સિદ્ધ કરે છે. મુઘલ આક્રમણખોરોએ તેનું સ્વરૂપ બદલીને તેને તાજ મહેલ નામ આપ્યું. તે રાજા જયસિંહની સંપત્તિ હતી અને એવું કોઈ કબ્રસ્તાન નથી જેના પર મહેલ બનાવાયો હોય.
ઉલ્લેખનીય છે કે, 1632માં તાજ મહેલ બનીને તૈયાર થયો હતો અને આજે 2022માં એટલે કે, 390 વર્ષ બાદ તેનું નામકરણ કરવાની માગણી થઈ રહી છે. આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર નવીન જૈનના કહેવા પ્રમાણે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તાજ મહેલનું નામ બદલવાનો અધિકાર છે. જોકે સદનમાં પ્રસ્તાવ પાસ થયા બાદ આગ્રાવાસીઓની લોકલાગણી જાણવા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સદસ્યો સૌથી વધારે
આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના કાઉન્સિલર્સની સંખ્યા સૌથી વધારે છે. આ કારણે જ શોભારામનો પ્રસ્તાવ આજે પાસ થઈ જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તાજ મહેલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક છે.
આ પણ વાંચોઃ તાજ મહેલના 'સેલ્સ' સ્થાયીરૂપે બંધ નથી અને તેમાં મૂર્તિઓ પણ નથી- ASI