અગ્નિવીર યોજનાથી મોહભંગ! 50થી વધુએ અધવચ્ચે ટ્રેનિંગ છોડી, આપ્યા આવા કારણો, થશે કાર્યવાહી!
અલગ-અલગ કારણો દર્શાવીને સેનાને અલવિદા કહેનારા યુવકોથી ટ્રેનિંગનો ખર્ચ વસૂલવાની તૈયારી
કોઈએ સારી તક મળી હોવાનું તો કોઈએ મહિનાથી વધુ મેડિકલ લીવના બહાને ટ્રેનિંગ પડતી મૂકી
image : Twiiter |
ટૂંક સમયમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભારતીય સેનાના વિવિધ એકમોમાં જોડાશે. પ્રથમ બેચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની તાલીમ શરૂ થઈ ચૂકી છે. આવતા મહિને પ્રથમ બેચ ભારતીય સેનામાં જોડાશે. જોકે, તાલીમ દરમિયાન જ ઘણા યુવકો અધવચ્ચે જ ચાલ્યા ગયાની માહિતી મળી છે. જોકે હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે અલગ-અલગ કારણો દર્શાવીને સેનાને અલવિદા કહેનારા યુવકો સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમની પાસેથી ટ્રેનિંગમાં ખર્ચવામાં આવેલી રકમ પણ વસૂલવામાં આવશે.
પ્રથમ બેચમાં 50 થી વધુએ તાલીમ છોડી
હાલમાં સેનામાં ટ્રેનિંગને અધવચ્ચે છોડી દેવાનો કોઈ નિયમ નથી, પરંતુ હવે સરકાર તેને રોકવા માટે નવા નિયમો લાવવાનું વિચારી રહી છે. અહેવાલ અનુસાર, જેઓ ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી ગયા છે તેમની પાસેથી ટ્રેનિંગ પર થયેલો ખર્ચ વસૂલ કરવામાં આવશે. એક અધિકારીએ કહ્યું કે, પ્રથમ બેચમાં 50થી વધુ યુવાનોએ અધવચ્ચે જ ટ્રેનિંગ છોડી દીધી હતી અને બીજી બેચમાં પણ આવી જ સ્થિતિ છે. તેમનું કહેવું છે કે તાલીમનો ખર્ચ યુવાનો પાસેથી વસૂલવામાં આવશે, આ રીતે માત્ર એવા યુવાનોને જ તાલીમમાં સામેલ કરવામાં આવશે જેઓ સેનામાં જોડાવા માટે ગંભીર છે.
અલગ-અલગ કારણો આપીને સેનાને અલવિદા કહ્યું
અધિકારીએ એમ પણ જણાવ્યું કે યુવાનો દ્વારા ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દેવા માટે અલગ-અલગ કારણો આપવામાં આવ્યા છે. કેટલાકને 30 દિવસ કે તેથી વધુ સમય માટે મેડિકલ લીવ પર રહેવાના કારણે બહાર કરાયા હતા. કેટલાકે સારી તક મળવાનું કારણ આપીને અધવચ્ચે જ તાલીમ છોડી દીધી. સૂત્રોએ જણાવ્યું કે સેનામાં એવો નિયમ છે કે જો કોઈ 30 દિવસથી વધુ ટ્રેનિંગમાંથી ગેરહાજર રહે છે તો તેને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે.
પ્રથમ બેચમાં 19 હજારથી વધુ અગ્નિવીરો જોડાયા હતા
1 જાન્યુઆરીએ, પ્રથમ બેચમાં 19 હજારથી વધુ અગ્નિવીરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને દેશભરના 40 વિવિધ કેન્દ્રો પર તાલીમ આપવામાં આવી હતી. અગ્નિવીર માટે છ મહિનાની તાલીમમાં મૂળભૂત અને અદ્યતન લશ્કરી કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છ મહિનાની તાલીમ પછી, અગ્નિવીરોને વિવિધ એકમોમાં પોસ્ટ કરવામાં આવશે અને 4 વર્ષ પછી, તેમાંથી 25 ટકાને કાયમી કરવામાં આવશે. જો કે સેના 50 ટકા અગ્નિવીરોને કાયમી કરવા માંગે છે, જેના માટે સેનાએ કેન્દ્ર સમક્ષ પોતાની માંગ મૂકી છે.