Get The App

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો 1 - image


Manipur News : પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે રવિવારે ચુરાચંદપુરમાં સ્થાનિક લોકોની ભીડ  બેકાબૂ થઈ અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ દરમિયાન, તેમની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. 

સ્થાનિકોએ કર્યો પથ્થરમારો 

સ્થાનિક લોકોએ રેપિડ એક્શન ફોર્સ (RAF) ના કર્મચારીઓ પર પણ પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ છે. ખરેખર તો ચુરાચંદપુર જિલ્લામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે લગાવવામાં આવેલા બેનરો અને 'કટઆઉટ' ફાડવા બદલ બે યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ રવિવારે સ્થાનિક ભીડ એકઠી થઈ અને બંનેની મુક્તિની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો. ટૂંક સમયમાં ભીડ બેકાબૂ થઈ ગઈ અને હિંસા ભડકી. 

પોલીસ સ્ટેશને હુમલો 

એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, ભીડે ચુરાચંદપુર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. બપોરની તસવીરોમાં દેખાવો દરમિયાન તૈનાત RAF કર્મચારીઓ પર ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ફરજ મેજિસ્ટ્રેટ દ્વારા તેમના જામીન પર સુનાવણી બાદ, બંને વ્યક્તિઓને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.

બંને યુવાનોને મુક્ત કર્યા બાદ પરિસ્થિતિ સામાન્ય

પોલીસે બંને યુવાનોને મુક્ત કર્યા બાદ જ પરિસ્થિતિ સામાન્ય થઈ. પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "દેખાવકારોના દાવાથી વિપરીત બંને વ્યક્તિઓને અચાનક અટકાયતમાં લેવામાં આવ્યા ન હતા, પરંતુ તોડફોડના સ્થળેથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા."


Tags :