આંબેડકર જયંતિની ઉજવણી વચ્ચે પંજાબમાં બે સમુદાયો વચ્ચે અથડામણ
- સ્થિતી પર કાબૂ મેળવવા ઇન્ટરનેટ અને SMS સેવા બંધ
નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2018, શનિવાર
દેશભરમાં આજે બાબા સાહેબ આંબેડકરની 127મી જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે પંજાબના ફગવાડામાં બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે કપુરથલા જિલ્લાના ફાગવાડામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને લઇને અફવા ફેલાઇ હતી કે કેટલાંક લોકો તેની સાથે છેડછાડ કરી રહ્યાં છે.
આ અફવાના કારણે મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકો બાબા સાહેબની મૂર્તિ સ્થળ પર એકઠા થયાં અને કેટલાંક હિંદુવાદી સંગઠનના લોકો પણ એકઠા થયાં. જે બાદ સ્થિતી બગડતા બંન્ને તરફથી ફાયરિંગ પણ થઇ હતી. આ ઘર્ષણમાં ઘણાં લોકો ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં સ્થિતી પર કાબૂ મેળવવા માટે સરકાર ઇન્ટરનેટ અને SMS સેવા બંધ કરી છે.