કેન્દ્ર સરકારનો ટીઆરએફ પછી જૈશના સંગઠન પીએએફએફ પર પણ પ્રતિબંધ
- ટીઆરએફે કાશ્મીરી પંડિતો વિરુદ્ધ નવું હીટ-લિસ્ટ જાહેર કર્યું
- કેન્દ્રે અરબાઝ અહેમદ મીરને વ્યક્તિગત આતંકી જાહેર કર્યો : રાજૌરીમાં જાન્યુ.ના બેવડા હુમલામાં પીએએફએફની સંડોવણી
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ૧-૨ જાન્યુઆરીએ બેવડા આતંકી હુમલામાં બે બાળકો સહિત છ હિન્દુઓની હત્યા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાન સ્થિત વધુ એક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી આતંકી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રે આ પહેલાં ટીઆરએફને પણ આતંકી સંગઠન અને અરબાઝ અહેમદ મીરને વ્યક્તિગત આતંકી જાહેર કર્યો હતો. જોકે, આતંકી સંગઠન જાહેર થયા પછી ટીઆરએફે કાશ્મીરી પંડિતો વિરુદ્ધ નવું હીટ-લિસ્ટ જાહેર કર્યું હતું.
કેન્દ્ર સરકારે શનિવારે જમ્મુ-કાશ્મીર અને અન્ય જગ્યાઓ પર આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપમાં જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (પીએએફએફ) પર શુક્રવારે પ્રતિબંધ મૂકી દીધો હતો.
ગૃહમંત્રાલયે એક જાહેરનામુ બહાર પાડી કહ્યું કે, પીએએફએફ નિયમિત સમયે સુરક્ષા દળો, નેતાઓ અને અન્ય રાજ્યોમાંથી જમ્મુ-કાશ્મીરમાં કામ કરી રહેલા નાગરિકોને ધમકીઓ આપતું રહે છે. પીએએફએફ અન્ય સંગઠનો સાથે જમ્મુ-કાશ્મીર અને ભારતના અગ્રણી શહેરોમાં હિંસક આતંકી ઘટનાઓ કરવા માટે ફિઝિકલી અને સોશિયલ મીડિયા બંનેમાં સક્રિયરૂપે કાવતરું ઘડવામાં સામેલ છે.
અન્ય સંગઠનો સાથે પીએએફએફ બંદૂક, દારૂગોળો અને વિસ્ફોટકોને સંભાળવામાં ભરતી અને તાલિમ આપવા માટે યુવાનોને કટ્ટરપંથ તરફ વાળી રહ્યું છે. તેનાથી ભારતમાં આતંકવાદના વિવિધ કૃત્યો કરવામાં આવ્યા છે. આથી કેન્દ્ર સરકારે પીએએફએફને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.
અન્ય એક અલગ જાહેરનામામાં કેન્દ્ર સરકારે અરબાઝ અહેમદ મીરને આતંકી જાહેર કર્યો છે, જે જમ્મુ-કાશ્મીરનો નિવાસી છે, પરંતુ હાલમાં પાકિસ્તાનમાં છે અને તે આતંકી જૂથ લશ્કર-એ તોયબા માટે કામ કરી રહ્યો છે. મીર ટાર્ગેટ કિલિંગમાં સામેલ છે. થોડાક મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શિક્ષક રજનીની હત્યામાં તે મુખ્ય કાવતરાંખોર હતો.
દરમિયાન કેન્દ્ર સરકારે આતંકી સંગઠન જાહેર કર્યા પછી ટીઆરએફે શનિવારે જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો વિરુદ્ધ નવું હીટ લિસ્ટ જાહેર કર્યું છે. ટીઆરએફ પોતાને સ્થાનિક આતંકી સંગઠન જાહેર કરવા માગે છે, પરંતુ હકીકતમાં તે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબાનું પ્રોક્સી સંગઠન છે. વર્ષ ૨૦૧૯માં આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયે કહ્યું કે શેખ સજ્જાદ ગુલ ટીઆરએફનો કમાન્ડર છે અને તેને ગેરકાયદે પ્રવૃત્તિ રોકથામ કાયદા, ૧૯૬૭ હેઠળ આતંકી જાહેર કરાયો છે.