Get The App

શિવસેના ધારાસભ્યએ જે કૅન્ટીન મેનેજરને ઢોર માર માર્યો, તેનું લાઇસન્સ રિપોર્ટ આવે તે પહેલાં જ રદ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
Maharashtra Canteen Licence Cancelled
(PHOTO - IANS)

Maharashtra Canteen Licence Cancelled: મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનના ધારાસભ્ય સંજય ગાયકવાડે વાસી ખોરાક પીરસવા બદલ કૅન્ટીન મેનેજરને ઢોર માર માર્યો હતો, તે મુંબઈ ધારાસભ્ય છાત્રાલયની કૅન્ટીનનું લાઇસન્સ હવે રદ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ખોરાકની ગુણવત્તા નબળી હોવાના આરોપસર કૅન્ટીનનું લાઇસન્સ રદ કર્યું છે.

શિવસેનાના નેતાઓના વર્તન પર સવાલો ઊભા થઈ રહ્યા છે

મંગળવારે, શિવસેનાના ધારાસભ્ય દાળની નબળી ગુણવત્તાને લઈને ગુસ્સે ભરાયા અને કૅન્ટીન મેનેજરને માર માર્યો હતો. ધારાસભ્યનો કૅન્ટીન મેનેજરને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ રાજ્યમાં વિવાદ જગાવ્યો છે અને શિવસેનાના નેતાઓના વર્તન પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

FDA એ લાઇસન્સ રદ કર્યું

વિવાદો વચ્ચે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન(FDA) એ ખોરાકના નમૂના લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 14 દિવસ પછી આવશે. પાન આ પહેલા જ FDA દ્વારા કૅન્ટીનનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે તેમને વાસી ખોરાક પીરસવામાં આવ્યો હતો. ત્યારબાદ FDA ઍક્શનમાં આવ્યું છે.

શું છે આખો મામલો?

ધારાસભ્ય સંજય ગાયકવાડ બુલઢાણાથી બે વખત ધારાસભ્ય રહ્યા છે અને મુંબઈના આકાશવાણી ધારાસભ્ય નિવાસસ્થાનમાં રહે છે. તેમણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કૅન્ટીનમાંથી ખોરાક મંગાવ્યો હતો, ત્યારબાદ તેમણે બગડેલી દાળ પર નારાજગી વ્યક્ત કરી હતી. ગાયકવાડનો દાવો છે કે દાળમાંથી સડેલી ગંધ આવતી હતી અને ખાધા પછી તરત જ તેમને પેટમાં દુખાવો, ઉલટી અને અસ્વસ્થતા અનુભવાતી હતી.

વાયરલ વીડિયોમાં, ગાયકવાડ વેસ્ટ અને કમર પર ટુવાલ બાંધેલા જોવા મળે છે. તે કૅન્ટીનમાં પ્રવેશ કરે છે, કર્મચારીઓને પૂછે છે કે દાળ કોણે બનાવી? પછી કૅન્ટીન મેનેજરને દાળ સુંઘાડીને તેને ઢોર માર મારે છે. 

જ્યારે પત્રકારોએ ગાયકવાડને તેમના વર્તન વિશે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે કહ્યું, 'મને તેનો કોઈ અફસોસ નથી. જો તેઓ મને ઝેર ખવડાવતા હોય, તો શું હું તેમની આરતી ઉતારું! બાળાસાહેબે અમને આ શીખવ્યું નથી. આ 'શિવસેના સ્ટાઇલ' છે. જ્યારે જનતાના સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે આવું પગલું ભરવું જરૂરી બની જાય છે.'

આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા  

આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્યના વર્તનની સખત નિંદા કરતાં કહ્યું કે, 'કર્મચારીઓ પર હુમલો અસ્વીકાર્ય છે અને તે વિધાનસભાની ગરિમાને ઠેસ પહોંચાડે છે. તેમજ સરકારે ખરાબ દાળના આરોપને ગંભીરતાથી લીધો છે અને તાત્કાલિક અસરથી કૅન્ટીન કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.'

શિવસેના ધારાસભ્યએ જે કૅન્ટીન મેનેજરને ઢોર માર માર્યો, તેનું લાઇસન્સ રિપોર્ટ આવે તે પહેલાં જ રદ 2 - image

Tags :