રોહિત શર્મા પછી હવે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ: એક યાદગાર સફરનો અંત
- બંને ક્રિકેટરો આંતરિક રાજકારણને લીધે માનભેર નિવૃત્તિ ન લઈ શક્યા
- કોહલીનો 2011થી 2025ની ટેસ્ટ કારકિર્દીમાં 123 ટેસ્ટ રમી, 30 સદી સાથે 9230 રનનો રેકોર્ડ
- રોહિતશર્માની જેમ કોહલી વન ડે રમવાનું ચાલુ રાખશે
નવી દિલ્હી : ચાર જ દિવસના સમયગાળામાં રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરતા ભારતીય ક્રિકેટનો જાણે એક યુગ પુરો થયો હોય તેમ ક્રિકેટ ચાહકોના ચહેરા પર ઉદાસી છવાયેલી જોઈ શકાતી હતી.
સચિન તેંડુલકર, લક્ષ્મણ, દ્રવિડ અને સહેવાગની નિવૃત્તિ પછી ભારત સદનસીબ રહ્યું કે ક્રિકેટ વિશ્વમાં દમદાર કહી શકાય તેવા બે ક્રિકેટરો રોહિત શર્મા અને કોહલી ભારતને મળ્યા. કોહલી અને રોહિત શર્મા બંને ભારતના કેપ્ટન પણ રહ્યા.
જો કે ક્રિકેટ ચાહકોને રોહિત અને કોહલીની નિવૃત્તિ કરતા તેઓ જોડે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિ અને હેડ કોચ ગૌતમ ગંભીરે જે રીતે તોછડું વર્તન કર્યું, રાજકારણ ખેલ્યું અને બંનેને ફેરવેલ ટેસ્ટ સાથે મેદાન પર માનભેર વિદાય લેવાની તક ન આપી તેનો પણ રંજ છે.
થોડા દિવસો પહેલા જ ગૌતમ ગંભીરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ક્રિકેટમાં પરિણામ અને ફોર્મ મહત્વનું છે. કોઈ ખેલાડી ગમે તેટલો સીનીયર હોય પણ ટેસ્ટ મેચ તેને નિવૃત્તિ માટેની તક આપવા માટેનું પ્લેટફોર્મ નથી.
એવું કહેવાય છે કે રોહિત શર્મા અને કોહલીને તેમના ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના કંગાળ ફોર્મ અને શ્રેણી હારને લીધે ટીમમાંથી પડતા મુકવાનો નિર્ણય પસંદગી સમિતિના ચેરમેન અગરકર અને હેડ કોચ ગંભીર લઇ ચૂકયા હતા.
રોહિત શર્મા અને કોહલી બંને ઇંગ્લેન્ડના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવા જવા તૈયાર પણ હતા. રોહિત શર્મા કેપ્ટન્સી કરવા તૈયાર હતો.
ક્રિકેટ ચાહકો માનતા હતા કે આ બે ખેલાડીઓ સીવાય ભારતના મોટાભાગના ખેલાડીઓ યુવા છે. ઇંગ્લેન્ડનો પ્રવાસ તો સીનીયરો માટે પણ કઠીન પૂરવાર થતો હોય છે. ત્યારે બંનેની હાજરી ઇંગ્લેન્ડના પ્રવાસમાં જરૂરી હતી.
રોહિત શર્મા અને કોહલીને ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરીને યુવા ખેલાડીઓનું ઘડતર થાય તે યોગ્ય પ્રક્રિયા કહેવાત પણ પસંદગી સમિતિએ રોહિત શર્માને જણાવી દીધું કે, તારો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ટીમમાં સમાવેશ નથી થવાનો.
રોહિત શર્માની ઇચ્છા હતી તો પણ પડતો મુકાયો અને તેણે નિવૃત્તિ જાહેર કરી કેમ કે ૩૮ વર્ષે પુનરાગમન શક્યું નહોતું.
કોહલી તો તેના ઠીક ઠીક ફોર્મને લીધે ઇંગ્લેન્ડ પ્રવાસે જશે તેમ જ મનાતું હતું ત્યારે તેણે ત્રણેક દિવસ પહેલા જ કહ્યું હતું કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે.
હજુ તેની અચાનક નિવૃત્તિનું કારણ બહાર નથી આવ્યું પણ પસંદગી સમિતિ અને હેડ કોચ ગંભીરે તેને વિશ્વાસમાં ન લીધો. ભાવિ યોજના અંગે પુછયું જ નહીં. કોહલી અને ગંભીર વચ્ચેનો ટકરાવ અને ખાટા સબંધો જાણીતા છે.
ભારતના નહીં ક્રિકેટ વિશ્વના ચાહકોનું ટેસ્ટ ક્રિકેટમાં રસ લેવાનું એક કારણ કોહલી હતો. કોહલીને કિંગ નું બિરૂદ મળ્યું હતું.
કોહલી: ક્લોઝ-અપ
જન્મ: ૫ નવેમ્બર, ૧૯૮૮, દિલ્હી
હુલામણું નામ: ચીકુ, કિંગ
પ્રથમ ટેસ્ટ: ૨૦ જુન, ૨૦૧૧, વિન્ડિઝ સામે
છેલ્લી ટેસ્ટ: ૩ જાન્યુ., ૨૦૨૫, ઓસ્ટ્રેલિયા
ટેસ્ટ અને રન: ૧૨૩ ટેસ્ટ, ૯,૨૩૦ રન
સદી-એવરેજ: ૩૦ સદી, એવરેજ ૪૬.૯૫