'ઓપરેશન સિંદૂર' બાદ ગુજરાત સહિતના સરહદી રાજ્યોના CM સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક, આવતીકાલે સર્વપક્ષીય બેઠક
Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણે એરસ્ટ્રાઇક કરી છે. આ પરિસ્થિતિને જોતા પીએમ મોદી એ પણ 3 દેશોનો વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો છે.
કાલે સર્વપક્ષીય બેઠક
'ઓપરેશન સિંદૂર' પછી, કેન્દ્ર સરકારે આવતીકાલે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન વિશે માહિતી આપશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને કિરણ રિજિજુ પણ હાજર રહેશે. આ ઉપરાંત વિપક્ષના નેતાઓ પણ હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક
બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, ડીજીપી અને મુખ્ય સચિવની ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક બપોરના 2 વાગ્યે યોજાવાની છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, યુપી, બિહાર, સિક્કિમ, પ.બંગાળના સીએમ અને લદાખના એલજી તથા જમ્મુ-કાશ્મીરના એલજી ભાગ લેશે.
90થી વધુ આતંકીઓનો સફાયો કરાયાની પ્રાથમિક જાણકારી
પ્રાથમિક જાણકારી અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઇકમાં કુલ 90થી વધુ આતંકીઓનો સફાયો થઈ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરિદકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ'.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.