PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત
PM Modi Meets Air Force Chief: ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠકના થોડા સમય બાદ વાયુસેનાના પ્રમુખ પીએમ નિવાસસ્થાનથી રવાના થઈ ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોની પૃષ્ઠભૂમિમાં આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબક્યું સૈન્યનું વાહન, 2 જવાન શહીદ
આ પહેલા ગત શુક્રવારે નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ વડાપ્રધાનને તેમના લોક કલ્યાણ માર્ગ પર આવેલા નિવાસસ્થાને મળ્યા હતા. નૌકાદળના વડાએ પીએમ મોદી સાથે એક કલાક લાંબી બેઠક કરી હતી. જેમાં તેમણે નૌકાદળની વર્તમાન તૈયારીઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
સતત બેઠકો કરી રહ્યા છે પીએમ
પહલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની કમાન સંભાળી લીધી છે. તેઓ ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખો સાથે અલગ- અલગ બેઠક કરી રહ્યા છે જેથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સામે ભારતની સંભવિત કાર્યવાહીની રુપરેખા તૈયાર કરી શકાય.
પીએમ મોદીએ તમામ દળોને આપી સ્વતંત્રતા
પહેલીવાર 26 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીએ સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી, જેમાં પીએમ મોદીએ તમામ દળોને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે.
આ પણ વાંચો: ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું, સિંધુ સંધિ પર રોક બાદ પહેલો મોટો નિર્ણય
પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની સંભાવના વચ્ચે 30 એપ્રિલના રોજ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પીએમ મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર બેઠક કરી હતી. આ સમય દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ પણ હાજર હતા.
સેનાને આપી સંપૂર્ણ સ્વતંત્રતા
સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ 'ઓપરેશનલ ફ્રીડમ' આપી છે. જેથી તેઓ વળતો પ્રહાર કરવાની પદ્ધતિ, સમય અને લક્ષ્ય સ્વયં નક્કી કરી શકે. સરકારનો કઠોર ઈરાદો અને વિપક્ષનો ટેકો દર્શાવે છે કે, આવનારા દિવસોમાં આતંકવાદી ઘટનાઓ સામે ભારતનો પ્રતિભાવ નિર્ણાયક બની શકે છે.