Get The App

'તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
Supreme Court on Talaq and Dowry


Supreme Court on Talaq and Dowry: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો  આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે રોકડ, સોનું, દહેજ અને અન્ય ઘરેલુ સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે. 

તમામ ભેટો પર મહિલાનો હક, પાછી માંગવાનો કાયદેસર અધિકાર

જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વસ્તુઓને મહિલાની વ્યક્તિગત મિલકત ગણાવી જોઈએ અને તલાક થયા બાદ તેના પૂર્વ પતિ દ્વારા તે પરત થવી જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986ની કલમ 3 હેઠળ આ જોગવાઈ છે, જે મહિલાને તેના સગા-સંબંધીઓ કે મિત્રો દ્વારા લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે લગ્ન પછી આપવામાં આવેલી તમામ મિલકતો પર હકદાર બનાવે છે, જે મહિલા તલાક પછી તેને પાછું માગી શકે છે.

બંધારણીય સમાનતાનો હેતુ

કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદાનું અર્થઘટન માત્ર સિવિલ વિવાદ તરીકે નહીં, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલી સમાનતા અને સ્વાયત્તતાના વચનને પૂર્ણ કરવાના હેતુથી થવું જોઈએ, જેથી તલાક પછી મહિલાને આર્થિક સ્વતંત્રતા મળી રહે. આ નિર્ણય ડેનિયલ લતીફી વિરુદ્ધ ભારત સંઘ(2001) કેસના અગાઉના ચુકાદાને પણ મજબૂત કરે છે.

મહેર અને દહેજનો સમાવેશ

આ નિર્ણય એક મુસ્લિમ મહિલાની અરજી પર આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પૂર્વ પતિને છ સપ્તાહની અંદર ₹17,67,980ની રકમ મહિલાના બેન્ક ખાતામાં જમા કરવાનો સીધો આદેશ આપ્યો છે. આ રકમમાં મહેર, દહેજ, 30 તોલા સોનાના આભૂષણો અને રેફ્રિજરેટર, ટીવી, ફર્નિચર વગેરે સહિતના ઘરેલુ સામાનનું કુલ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે જો પૂર્વ પતિ નિર્ધારિત સમયમાં આ ચુકવણી ન કરે, તો તેણે 9% વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. 

કલકત્તા હાઈ કોર્ટનો નિર્ણય રદ

સુપ્રીમ કોર્ટે 2022માં આપેલા કલકત્તા હાઈકોર્ટના એ નિર્ણયને રદ કરી દીધો, જેમાં મહિલાને પૂરી રકમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'હાઈકોર્ટે આ મામલાને માત્ર એક સિવિલ(નાગરિક) વિવાદ તરીકે જ જોયો અને કાયદાના સામાજિક ઉદ્દેશ્યોને સમજવામાં ભૂલ કરી.'

આ પણ વાંચો: પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય

કોર્ટે એ વાતની પણ નોંધ લીધી કે' હાઈકોર્ટે લગ્ન રજિસ્ટરની એન્ટ્રીમાં કરવામાં આવેલા સુધારાની પુષ્ટિ કરનારા સાક્ષીઓની જુબાનીને અવગણીને કેસને ખોટી દિશામાં લઈ લીધો હતો.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર એક મહિલાના અધિકારોને પુનઃસ્થાપિત કરતો નથી, પરંતુ તે એવો સંદેશ પણ આપે છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાઓની મિલકત અને સન્માન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરી શકાય નહીં. આ નિર્ણય મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણની દિશામાં એક વધુ મહત્ત્વપૂર્ણ પગલું છે.

'તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image

Tags :