Get The App

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ 1 - image


Mumabai Air Pollution : દેશની રાજધાની દિલ્હી વર્ષોથી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુ હવે આર્થિક રાજધાની મુંબઈ પણ આ મામલે દિલ્હીની હરોળમાં આવીને ઉભી રહી ગઈ છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે વધતાં અને હવા 'ખરાબ' અને 'અત્યંત ખરાબ' શ્રેણીમાં પહોંચતા, શહેરભરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાની કડક પાબંદીઓ લાગુ કરવામાં આવી છે.

કયા કયા વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ

મુંબઈના મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી ઈસ્ટ, ચકાલા-અંધેરી ઈસ્ટ, નેવી નગર, પોવઈ અને મુલુંડ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે દરિયા કિનારે હોવાને કારણે મુંબઈમાં પ્રદૂષણ ઓછું રહેતું હતું, પરંતુ હવે ત્યાં પણ વધતી સમસ્યાએ ચિંતાઓ ઉભી કરી છે. આ પાબંદીઓ લાગુ કર્યા પછી પણ મુંબઈનો AQI 187 નોંધાયો છે, જે 'અનહેલ્ધી' કેટેગરીમાં આવે છે.

BMC એક્શન મોડમાં, બાંધકામ પર રોક

પ્રદૂષણને કાબૂમાં લેવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એક્શન મોડમાં આવી ગયું છે. GRAP-4 હેઠળ, તમામ નિર્માણ કાર્યો અને ધૂળ ઉડતી હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. BMC દ્વારા લગભગ 50 જેટલી બાંધકામ સાઇટ્સને કામ રોકવા અથવા સંપૂર્ણપણે સ્થગિત કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

આ ક્ષેત્રો માટે પણ કડક આદેશ 

આ ઉપરાંત, લઘુ ઉદ્યોગો, બેકરીઓ અને માર્બલ કટિંગ યુનિટ્સને પણ ધૂળ પર નિયંત્રણ રાખવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે, અને નિયમભંગ કરનાર સામે કાર્યવાહીની ચેતવણી અપાઈ છે. એટલું જ નહીં, ધૂળ પર નિયંત્રણ અને પ્રદૂષણ પર દેખરેખ રાખવા માટે દરેક વોર્ડમાં ફ્લાઈંગ સ્ક્વોડની પણ નિમણૂક કરવામાં આવી છે.

વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રણ ભારતના

એક તરફ મુંબઈનો AQI 187 છે, તો બીજી તરફ બેંગલુરુનો AQI 118 છે. જોકે, કોલકાતાની સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં AQI 236 પર પહોંચી ગયો છે. ચિંતાજનક વાત એ છે કે વિશ્વના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ત્રણ શહેર ભારતના જ છે, જે દેશવ્યાપી પર્યાવરણીય સંકટનો સંકેત આપે છે.

Tags :