અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત!

Mathura news : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલાં મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ફરી એકવાર લોકોની વચ્ચે આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુદ્દા સાથે ભાજપ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સીધા જોડાશે નહીં, પરંતુ સંતો અને મહાત્માઓ દ્વારા તેને આગળ વધારવામાં આવી શકે છે. તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન સુધીની પદયાત્રાને આ રણનીતિના એક ભાગ તરીકે જોવામાં આવી રહી છે, અને ભવિષ્યમાં સંત સમાજ આ મુદ્દે વધુ સક્રિય ભૂમિકા ભજવી શકે છે.
ભાજપ અને સંઘ વૈચારિક રીતે અયોધ્યાની સાથે કાશી અને મથુરાના મુદ્દાનું સમર્થન કરતા રહ્યા છે. જોકે, અયોધ્યાનો મુદ્દો ભાજપના રાજકીય અને સંઘના સામાજિક એજન્ડાનો મુખ્ય ભાગ રહ્યો છે, પરંતુ કાશી અને મથુરા સાથે આવું નથી. તાજેતરમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું હતું કે સંઘના એજન્ડામાં અયોધ્યાની જેમ મથુરા નથી, પરંતુ જો કોઈ સ્વયંસેવક આવા આંદોલન સાથે જોડાય છે, તો તે તેના માટે સ્વતંત્ર છે.
સૂત્રો મુજબ, મથુરાના મુદ્દાને ધીમે-ધીમે સંતો દ્વારા જનજાગરણના રૂપમાં આગળ વધારવામાં આવશે. બાબા બાગેશ્વરની યાત્રા દ્વારા પરોક્ષ રીતે આ મુદ્દા પ્રત્યે લોકોની ભાવના અને પ્રતિક્રિયાને પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ યાત્રામાં સામાન્ય જનતા અને સંતોની સાથે રાજનેતાઓ પણ જોડાયા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યેની આસ્થાને કારણે આ મુદ્દાને સામાજિક રીતે આગળ લાવવાની પૂરી સંભાવના છે. આ પ્રયાસોથી યાદવ સમુદાયને પણ જોડી શકાય છે, જે પોતાને શ્રીકૃષ્ણના વંશજ માને છે. જો આમ થાય, તો સમાજવાદી પાર્ટી માટે રાજકીય મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે યાદવ સમુદાય તેમનો મુખ્ય આધારસ્તંભ છે.
આ દરમિયાન, મંગળવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મથુરાના બરસાના સ્થિત માતાજી ગૌશાળા પહોંચ્યા હતા. અહીં તેમણે ગૌસેવા કરીને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ રોપ-વે દ્વારા રાધારાની મંદિરે દર્શન કરવા પહોંચ્યા અને શ્રીજીના આશીર્વાદ માંગ્યા. આ પ્રસંગે ભાજપના કાર્યકરો, સ્થાનિક સંતો અને ભક્તોએ તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. દર્શન બાદ ગડકરીએ ગુજરાતના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પદ્મશ્રી રમેશ બાબાની કથાનો પણ લાભ લીધો અને તેમની સાથે આધ્યાત્મિક સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, "બરસાના માત્ર ભક્તિનું ધામ નથી, પરંતુ પ્રેરણાનું કેન્દ્ર પણ છે. અહીંની આધ્યાત્મિક ઊર્જા રાષ્ટ્ર નિર્માણમાં પણ દિશા આપનારી છે."

