સુપ્રીમમાં અરજી થતા હાઇકોર્ટે વર્ષોથી પેન્ડિંગ અપીલનો સપ્તાહમાં જ ચુકાદો આપ્યો
સુપ્રીમે ઝારખંડ હાઇકોર્ટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી
ફાંસીની સજા પામેલા છ સહિત 10 દોષિતોએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેનો ચુકાદો વર્ષો સુધી અનામત રહ્યો
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચને દોષિતોના વકીલે જણાવ્યું હતું કે જે મામલાને લઇને અપીલ કરાઇ છે તેમાં હાઇકોર્ટ દ્વારા અલગ અલગ તારીખે ચુકાદો આપવામાં આવ્યો છે.
અમિત દાસ અને બસંત કુમારને આજીવન કેદની સજાને હાઇકોર્ટ દ્વારા રદ કરાઇ છે. દાસને જામીન પર છોડાયો છે જ્યારે બસંત જેલમાં છે. અન્ય આરોપી નિર્મલની અપીલ હાઇકોર્ટે ફગાવી છે.
આ કેસના કુલ ૧૦ દોષિતો છે જેમાંથી નવને ઝારખંડના રાંચીની હોતવાર બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં રખાયા હતા. તમામ દોષિતો દ્વારા પોતાની સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી, જોકે હાઇકોર્ટે આ મામલામાં ચુકાદો અનામત રાખ્યો હતો જેને વર્ષો વીતી ગયા હતા. ચુકાદો વર્ષો સુધી અનામત રહેતા તમામ દોષિતોએ સુપ્રીમમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હાઇકોર્ટો માટે કેટલીક ગાઇડલાઇન જાહેર કરવાની જરૂર છે.