100 વર્ષ બાદ RIMC કેડેટ તરીકે યુવતીઓને પ્રવેશ અપાતા ઈતિહાસ રચાયો

- પહેલા જ્યાં મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન તરીકે નિમણૂક મળતી હતી ત્યારે હવે સંપૂર્ણ કારકિર્દીનો માર્ગ ખુલ્લો થયો છે
દેહરાદૂન, તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટરી કોલેજ (RIMC)ના દરવાજા આખરે 100 વર્ષના સફર બાદ છોકરીઓ માટે ખુલ્યા છે. આ સાથે આ કોલેજના ઈતિહાસમાં મોટો બદલાવ આવ્યો છે. પ્રથમ વખત છોકરીઓને RIMC કેડેટ તરીકે પ્રવેશ મળ્યો છે. છોકરીઓ માટે પાંચ બેઠકો રિઝર્વ રાખવામાં આવી હતી પરંતુ પ્રથમ બેચમાં માત્ર બે છોકરીઓ જ આ પરિવર્તનનું પ્રતીક બની શકી છે.
સૈન્ય ક્ષેત્રમાં મહિલાઓ માટે કારકિર્દીની તકો વધી રહી છે. પહેલા જ્યાં મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન તરીકે નિમણૂક મળતી હતી ત્યારે હવે સંપૂર્ણ કારકિર્દીનો માર્ગ ખુલ્લો થયો છે. આ વર્ષે RIMCમાં છોકરીઓના પ્રવેશ માટેનો રસ્તો પણ ખુલ્યો છે. તાજેતરમાં શરૂ થયેલા સત્રમાં પાંચ બેઠકો રિઝર્વ રાખીને અરજીઓ મંગાવવામાં આવી હતી. આ માટે દેશભરમાંથી 568 અરજીઓ આવી હતી.
આ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાર યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બે છોકરીઓ કોઈ કારણસર જોડાઈ શકી નથી. બાકીની બે પસંદગીની યુવતીઓ જોડાઈ છે. છોકરીઓ કેડેટ તરીકે આવતાની સાથે જ આ સંસ્થાને સહ-શૈક્ષણિક સંસ્થા તરીકે તૈયાર કરવા માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. કેટલાક પર કામ ચાલુ છે.
અહીં પહોંચેલી બે છોકરીઓમાંથી એક હરિયાણાની રહેવાસી હોવાની માહિતી મળી છે. VIII પ્રવેશ પ્રક્રિયા દર છ મહિને અહીં લગભગ 25 કેડેટ્સની ભરતી કરવામાં આવે છે. અરજદારની ઉંમર સાડા 11 વર્ષથી 13 વર્ષ નક્કી કરવામાં આવી છે. પ્રવેશ ફક્ત આઠમા ધોરણમાં જ લઈ શકાય છે. શરત એ છે કે, ઉમેદવાર સાતમા ધોરણમાં ભણતો હોવો જોઈએ અથવા માન્ય શાળામાંથી ધોરણ સાત પાસ કરેલ હોવો જોઈએ. RIMCમાંથી પાસ આઉટ થયેલા 90% જેટલા કેડેટ્સ NDA પરીક્ષા પાસ કરે છે.
નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ના દરવાજા છોકરીઓ માટે ખોલ્યા બાદ એ બદલાવ આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ RIMCમાં છોકરીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગત માર્ચમાં આયોજિત શતાબ્દી સ્થાપના દિવસ પર તત્કાલિન કમાન્ડન્ટે કહ્યું હતું કે, છોકરીઓના પ્રવેશ માટે બેઠકો રાખવામાં આવી છે. જાન્યુઆરીમાં પસંદ થનારી બેચમાં તેમની સંખ્યા વધી શકે છે.

