અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં

Afghanistan Offers Indian Investors 5-Year Tax Break for Gold Mining : અફઘાનિસ્તાને ભારતીય કંપનીઓને તેના આશરે 1 ટ્રિલિયન ડૉલરના ખનીજ ભંડારમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું છે. અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતાના કારણે છેલ્લા ઘણાં સમયથી સોના અને લિથિયમની ખાણો નિષ્ક્રિય પડી છે. અફઘાનિસ્તાનનો હેતુ સોના અને લિથિયમ જેવા કિંમતી ખનીજો ધરાવતા વિસ્તારોમાં રોકાણ આકર્ષીને રોજગારી સર્જન કરવાનો છે. ભારત સરકારે પણ આ સંભવિત તકને આવકારી છે, પરંતુ સાથે કોઈ પણ પ્રોજેક્ટ્સમાં આગળ વધતાં પહેલા 'સાવધાની' રાખવાની અને કેટલાક મુખ્ય અવરોધો દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝી તાજેતરમાં જ ભારતની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે આ ઓફર કરી હતી. એસોસિએટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા(ASSOCHAM)ના જણાવ્યાનુસાર, કાબુલ ભારતીય ખાણકામ કંપનીઓને તેમની સોના અને લિથિયમની ખાણોમાં માઇનિંગ પ્રોજેક્ટ્સ ઓફર કરી રહી છે, પરંતુ ખાણકામ શરુ કરતાં પહેલાં સમય માંગી લે તેવા ભૂસ્તરીય સર્વેક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કામ કરવું જરૂરી છે. જ્યાં સુધી આ પાયાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાણ કરવું મુશ્કેલ છે.
અફઘાનિસ્તાન તરફથી રોકાણકારોને આકર્ષક ઓફર્સ
અઝીઝીના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાન સોનાના ખાણકામ સહિતના નવા ક્ષેત્રોમાં રોકાણ કરનારી ભારતીય કંપનીઓને પાંચ વર્ષની કર મુક્તિ (Tax Exemption) આપવા તૈયાર છે. આ ઉપરાંત આવા પ્રોજેક્ટ્સ માટે આયાત કરાતી મશીનરી પર માત્ર 1 ટકા ટેરિફ લાગશે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, અફઘાનિસ્તાનમાં રોજગારી ઊભી કરવા ખાણકામ પછી તમામ ખનીજોનું પ્રોસેસિંગ અફઘાનિસ્તાનમાં જ થવું જોઈએ.
બૅન્કિંગ અને વિઝાના અવરોધો દૂર કરવા વિનંતી
ભારત સાથે આર્થિક સહયોગ વધારવા માટે અઝીઝીએ ભારતને વિઝા પ્રક્રિયા, બૅન્કિંગ ચેનલો અને એર કનેક્ટિવિટી જેવા 'નાના અવરોધો'ને સરળ બનાવવા માટે પણ વિનંતી કરી હતી. ભારતીય વેપારીઓને નાણાકીય લેવડ-દેવડમાં મુશ્કેલી ન પડે તે માટે ભારતીય અને અફઘાનિસ્તાનની બૅંકો વચ્ચેના સંબંધોને ફરી એકવાર યોગ્ય દિશા આપવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
નોંધનીય છે કે, આ મુદ્દે બંને પક્ષે સકારાત્મકતા વ્યક્ત કરી હતી, જેમાં અફઘાનિસ્તાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, ભારત સાથે 'વ્યૂહાત્મક અને સૌહાર્દપૂર્ણ સંબંધો'ને કારણે જ તેઓ સૌથી પહેલા ભારતીય ઉદ્યોગ જગત સાથે વેપારને પ્રાથમિકતા આપવા માંગે છે.

