પ્રેમિકાને તેના માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ ગુનો નથી : સુપ્રીમ કોર્ટ

એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
પ્રેમિકાને તેના માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ ગુનો નથી : સુપ્રીમ કોર્ટ 1 - image


Supreme Court News : સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમીકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.

છોકરીએ નારાજ થઈને આત્મહત્યા કરી

જસ્ટિસ વિક્રમનાથ અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે  જણાવ્યું હતું કે માત્ર સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સમાન નથી. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે કલમ 306 હેઠળ ગુનો નોંધાયો નથી. ખંડપીઠે આરોપો અને કાયદાને ધ્યાનમાં લીધા બાદ કહ્યું હતું કે અપીલકર્તાની કોઈ સક્રિય ભૂમિકા નથી. આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કૃત્યો હોવા જોઈએ. આ મામલામાં જ્યારે છોકરાના પરિવારજનોએ કન્યાની શોધ શરૂ કરી ત્યારે પીડિત છોકરી નારાજ થઈ ગઈ અને તેણે આત્મહત્યા કરી હતી. આ પછી પોલીસે યુવક સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે આરોપીને ડિસ્ચાર્જ કરી દીધો

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રેમ સંબંધો તૂટવા એ આજે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય નહીં કે અપીલકર્તાનો ઈરાદો તેણીને (પ્રેમીકા)ને બ્રેકઅપ પછી તેના માતાપિતાની સલાહ/ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો હતો. આ કેસમાં હાઈકોર્ટે યુવાનોને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને તેની સામે પેન્ડિંગ કેસ રદ કરવાની માંગ કરી હતી. ખંડપીઠે કહ્યું કે તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને, આરોપી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કરવામાં આવતો નથી કારણ કે આપીલ કરનાર યુવકની કોઈ સંડોવણી નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.


Google NewsGoogle News