Get The App

ભાજપના 45 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો!

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપના 45 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો! 1 - image


BJP and Advani and Joshi News : ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026નો દિવસ એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક સભ્યો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન કરી શકશે નહીં.

કોણ છે નવા અધ્યક્ષ નિતિન નવીન?

ડિસેમ્બર 2025થી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા નિતિન નવીન હવે પૂર્ણકાલીન અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. બિહારના બાંકીપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિતિન નવીન ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિન્હાના પુત્ર છે. RSSની પૃષ્ઠભૂમિ ધરાવતા નવીન સંગઠનમાં તેમની ઊંડી પકડ અને છત્તીસગઢ જેવા રાજ્યમાં પાર્ટીની ચૂંટણી જીતમાં તેમની મોટી ભૂમિકા માટે જાણીતા છે.

અડવાણી અને જોશી મતદાર યાદીમાંથી બહાર કેમ?

1980માં ભાજપની સ્થાપના બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે આ બંને દિગ્ગજ નેતાઓના નામ અધ્યક્ષની ચૂંટણીની મતદાર યાદીમાં નથી. આની પાછળ કોઈ રાજકીય નારાજગી નહીં, પરંતુ સંપૂર્ણપણે ટેકનિકલ કારણો છે. પાર્ટીના બંધારણ મુજબ, રાષ્ટ્રીય પરિષદના સભ્ય બનવા માટે સંબંધિત રાજ્યમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થવી ફરજિયાત છે. અડવાણી અને જોશી હાલમાં દિલ્હીથી રાષ્ટ્રીય પરિષદના સભ્યો છે, પરંતુ દિલ્હી પ્રદેશ ભાજપમાં સંગઠનાત્મક ચૂંટણીઓ હજુ બાકી છે. જ્યાં સુધી દિલ્હીમાં મંડળ, જિલ્લા અને પ્રદેશ સ્તરની ચૂંટણીઓ પૂર્ણ ન થાય, ત્યાં સુધી રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી થઈ શકે નહીં. આ જ કારણોસર બંને નેતાઓના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શક્યા નથી.

ચૂંટણી પ્રક્રિયા અને હાઇ-પ્રોફાઇલ પ્રસ્તાવકો

ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. 19 જાન્યુઆરીએ નિતિન નવીન ઉમેદવારી નોંધાવશે અને 20 જાન્યુઆરીએ તેમની જીતની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. તેમના નામાંકનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પ્રસ્તાવક બનશે.

નવા અધ્યક્ષ સામેના પડકારો

જેપી નડ્ડાનું સ્થાન લેનાર નિતિન નવીન સામે સૌથી મોટો પડકાર 2029ની લોકસભા ચૂંટણી માટે સંગઠનને તૈયાર કરવાનો અને પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ જેવી આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનને સુધારવાનો રહેશે. આ યુવા નેતૃત્વ દ્વારા ભાજપ હવે પોતાની આગામી પેઢીની ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.