અશ્લીલ વોટ્સએપ ગ્રુપમાં મહિલાનો નંબર એડ કરનાર ગ્રુપ એડમિનની ધરપકડ
મુંબઈ, તા. 27 નવેમ્બર 2018, મંગળવાર
વગર પરવાનગીએ મહિલાને અશ્લીલ કન્ટેન્ટ શેર કરાતુ હોય તેવા વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા બદલ ગ્રુપ એડમિનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. કદાચ ભારતમાં આ પ્રકારનો પહેલો કિક્સો છે જેમાં કોઈની ધરપકડ કરવામાં આવી હોય.મળતી વિગતો પ્રમાણે મૂળે બંગાળનો પણ મુંબઈમાં રહીને મિસ્ત્રી કામ કરતા મુશ્તાક અલી શેખ ટ્રીપલ એક્સ નામના વોટ્સએપ ગ્રુપનો ગ્રુપ એડમીન છે.
પોલીસના કહેવા પ્રમાણે એક મહિલાએ ફરિયાદ કરી હતી કે આ ગ્રુપમાં મને પરવાનગી વગર જોડી દેવામાં આવી છે.પહેલા તો મહિલાને લાગ્યુ હતુ કે તેના જ કોઈ મિત્રે મજાક કરી છે પણ પછીથી આ ગ્રુપમાં અશ્લિલ મેસેજ, ફોટો અને વીડિયો દેખાવા માંડ્યા હતા.
દરમિયાન પોલીસે ગ્રુપ એડમિનના નંબરના આધારે તપાસ કરતા તે સાયન ધારાવી વિસ્તારમાં રહેતો હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસે તેની ધરપકડ કરી હતી.આરોપીએ પોલીસની માફી માંગીને કહ્યુ હતુ કે મને લાગ્યુ હતુ કે આ નંબર મારા કોઈ ઓળખીતાનો છે.એટલે મેં ગ્રુપમાં નંબર એડ કર્યો હતો.
પોલીસે આઈટી એક્ટ હેઠળ ગ્રુપ એડમિન સામે કાર્યવાહી કરી છે અને જો આરોપ સાબીત થાય તો તેને પાંચ વર્ષની જેલ પણ થઈ શકે છે.