આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી, દિશા સાલિયાન આપઘાત કેસમાં પૂછપરછ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ
Disha Salian Death Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના પિતા સતિષ સાલિયાને દિશાના મોતની તપાસ નવેસરથી શરૂ કરવાની માગ કરી છે. જેના માટે તેમણે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે. અપીલમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા તેમજ કેસ સીબીઆઈને સોંપવાની માગ થઈ છે. દિશાના પિતાએ આરોપ મૂક્યો છે કે, દિશા સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.
પિતાએ આપઘાતનું તથ્ય સ્વીકાર્યું
દિશા સાલિયાને 8 જૂન, 2020ના રોજ મલાડની એક બિલ્ડિંગના 14માં માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતાં. તે સમયે મુંબઈ પોલીસે તેને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) તરીકે કેસ નોંધી તપાસ બંધ કરી હતી. તેના પરિવારજનોએ આપઘાતનું તથ્ય સ્વીકાર્યું હતું. પરંતુ દિશાની મોતના થોડા દિવસો બાદ 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના બાન્દ્રા એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે તેની મોતને પણ આપઘાતનું નામ આપ્યું હતું. જો કે, બાદમાં મામલો સીબીઆઈને સોંપાયો હતો.
પોલીસ પર મૂક્યા ગંભીર આરોપ
ભાજપ નેતા નિતેશ રાણેએ ત્રણ વર્ષ પહેલાં જ દિશા સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનો આરોપ મૂક્યો હતો. જો કે, દિશાએ તે સમયે દિકરીને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ મૂકી નિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે દિશાના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરેલી નવી અરજીમાં દાવો કર્યો છે કે, પોલીસે તેમને નજરકેદ કરી પોતે રજૂ કરેલા પુરાવાને સ્વીકારી લેવા મજબૂર કર્યા હતાં. અરજીમાં સુરજ પંચોલી, ડિનો મોર્યા અને મુંબઈ પોલીસ પર પણ ગંભીર આરોપ મૂકાયા છે.
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
દિશાના પિતાની અરજી બાદ મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું છે. કેબિનટ મંત્રી નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. તેમજ તેમની વિરૂદ્ધ તપાસ કરવાની માગ કરી છે. બીજી તરફ શિવસેના (યુબીટી)એ અચાનક ફરીથી આ કેસ ખોલવા બદલ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. પાર્ટીના પ્રવક્તા અને મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે, આ કેસ ફરી શરૂ કરવા પાછળ કોઈ ષડયંત્ર છે. ચાર વર્ષથી વધુ સમય બાદ આ મામલો ફરી ગરમાયો છે. અગાઉ આ કેસની તપાસ SIT ને સોંપવામાં આવી હતી.
સંજય રાઉતે ભાજપ પર મૂક્યા આરોપ
શિવસેના (UBT)સાંસદે સંજય રાઉતને કહ્યું છે કે, મેં આ મામલે સંપૂર્ણ પોલીસ તપાસ જોઈ છે. આ હત્યા નહીં પણ દુર્ઘટના હતી. તેના પિતાએ ઘટનાના પાંચ વર્ષ બાદ ફરી અપીલ કરી છે. સમગ્ર રાજ્યને જાણ છે કે, આ અપીલ રાજકારણની ગંદી રમતનો એક ભાગ છે. તેમનું (શિવસેના-ભાજપ) ઔરંગઝેબ પર રાજકારણનું ષડયંત્ર નિષ્ફળ રહેતાં તેઓ હવે દિશા સાલિયાનનો મામલો ઉછાળી રહ્યા છે. તદુપરાંત એનસીપી (શરદ પવાર)એ પણ ભાજપ પર રાજકારણનું ષડયંત્ર રમી રહ્યો હોવાનો આરોપ મૂક્યો છે. એનસીપીના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પોતાની દિકરી કે મહિલા માટે ન્યાય માગવાનો પ્રયાસ કરી રહી છે, તો અમે ઈચ્છીએ છીએ કે, તેને ન્યાય મળે પરંતુ વાસ્તવમાં શું ઘટના બની હતી, તેની જાણ પણ હોવી જરૂરી છે. તેનું મૃત્યુ ચાર વર્ષ પહેલાં થયુ હતું. અને ભાજપ આ મામલે રાજકારણ રમી રહ્યું છે.