આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન
Adi kailash Om Parvat Yatra Schedule : કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે શરુ થવાની આશા સાથે કુમાઉ મંડળ વિકાસ નિગમ (KMVN) એ આદિ કૈલાસ-ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર કર્યું છે.
પહેલી ટીમ 14 મેના રોજ કાઠગોદામથી રવાના થશે
કૈલાસ યાત્રાની પહેલી ટીમ 14 મેના રોજ કાઠગોદામથી રવાના થશે. આ ટીમ યાત્રા પૂર્ણ કર્યા પછી કાઠગોદામમાં રિપોર્ટ કરશે. તેમજ ઘારચૂલાથી યાત્રાની પહેલી ટીમ 15 મેના રોજ રવાના થશે. કાઠગોદામથી આઠ અને ધારચુલાથી પાંચ ટીમો યાત્રા પર જશે.
કાઠગોદામથી જતાં શ્રદ્વાળુઓ ગોલ્જુ મંદિર ચિતાઈ, પ્રસિદ્વ શિવ મંદિર જાગેશ્વર અને પાતાળ ભુવનેશ્વર ગુફાના પણ દર્શન કરશે. ઑક્ટોબર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પછી આદિ કૈલાસ-ઓમ પર્વત યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.
શ્રદ્વાળુઓનું પહેલું ગ્રૂપ આ રીતે પહોંચશે પિથોરાગઢ
યાત્રાના શેડ્યુલ પ્રમાણે પહેલા દિવસે ભક્તોનું ગ્રૂપ કાઠગોદામથી ભીમતાલ, જાગેશ્વર થઈને 196 કિમીનું અંતર કાપીને પિથોરાગઢ પહોંચશે અને બીજા દિવસે તેઓ પિથોરાગઢથી ધારચુલા પહોંચવા માટે 96 કિમીનું અંતર કાપશે.
પહેલો બેઝ કેમ્પ ધારચુલા રહેશે
પહેલો બેઝ કેમ્પ ધારચુલામાં રહેશે. ત્રીજા દિવસે, યાત્રાળુઓ ધારચુલાથી ગુંજી જશે, ચોથા દિવસે ગુંજીથી વાયા નબી-કુટી થઈને નાભીઢાંગ જશે. ગણેશ પર્વતના દર્શન કર્યા બાદ નાગ પર્વત, વ્યાસ ગુફા, કાલાપાણીમાં કાલી મંદિર, નબી પર્વત અને ઓમ પર્વતના દર્શન કરશે.
પાંચમા દિવસે ગુંજીથી જ્યોલીકાંગ રવાના થશે. અહીંથી કુટ્ટી ગામ, નિક્કુ પર્વત દર્શન, પાર્વતી સરોવર, આદિ કૈલાસ, પાંડવ પર્વત, પાર્વતી મુગટના દર્શન કરશે. છઠ્ઠા દિવસે બુંદીથી ધારચુલા થઈને ચૌકોડી, પાતાળ ભુવનેશ્વર ગુફાના દર્શન કરી યાત્રા પૂર્ણ કર્યા પછી આઠમા દિવસે અલ્મોરાથી કાઠગોદામ પાછા ફરીશું.
આ પણ વાંચો: કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી? કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં
બીજી તરફ ધારચુલાથી શરુ થયેલી યાત્રામાં પહેલા દિવસે બેઝ કેમ્પ ધારચુલા બીજા દિવસે ધારચુલાથી ગુંજી, ત્રીજા દિવસે ગુંજીથી નાભિદાંગ, ચોથા દિવસે ગુંજીથી જ્લોલિમ્બકાંગ અને બુંદી હશે. પાંચમા દિવસે શ્રદ્વાળુઓ બુંદીથી ધારચુલા પાછા ફરશે.
સેના કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરવા કરશે મદદ
કૈલાસ માનસરોવર યાત્રા-2025 ની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. યાત્રા અંગે બુધવારે સેના અને વહીવટીતંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી. બ્રિગેડિયર ગૌતમ પઠાનિયાએ કૈલાસ માનસરોવર યાત્રાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી અને કહ્યું કે, 'સેના ઊંચા હિમાલયમાં યાત્રાના સંચાલનમાં સંપૂર્ણ મદદ કરશે. અહીં, ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં થયેલી બહુ-સ્તરીય બેઠક બાદ એવી આશા કરવામાં આવી રહી છે કે, કૈલાસ માનસરોવર યાત્રા 2025માં ફરી શરુ થશે.