India

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી

By GS TEAM
10 May 20262 mins read
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી



નવી દિલ્હી, તા. ૧૦

અમેરિકા અને ઇરાન યુદ્ધની અસર વિશ્વ પર પડી છે અને ભવિષ્યમાં પણ તેની અસર જોવા મળશે. એશિયન ડેવલોપમેન્ટ બેંક (એડીબી) અનુસાર ઇરાન યુદ્ધને કારણે  ઉત્પન્ન થયેલ વૈશ્વિક તંગદિલી અસર જારી રહેશે અને ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા બની રહી શકે છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આની અસર ભારતમાં પણ જોવા મળશે અને અહીં મોંઘવારીનો બોંબ ફૂટી શકે છે. આ સાથે જ એડીબીએ ભારતનાં જીડીપી વિકાસનાં અંદાજમાં પણ મોટો ઘટાડો કર્યો છે.

પીટીઆઇનાં રિપોર્ટ અનુસાર એડીબીનાં ચીફ ઇકોનોમિસ્ટ આલ્બર્ટ પાર્કે જણાવ્યું છે કે મિડલ ઇસ્ટની તંગદિલી અંદાજ કરતા વધારે સમય ચાલી છે. જેના કારણે સપ્લાય ચેઇનમાં ઉભા થયેલા અવરોધને કારણે ક્રૂડનાં ભાવ ઉંચા બની રહેવાની આશંકા છે.

તેમણે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલની ઉંચી કીંંંમતોની સંભાવના સાથે નવા આઉટલૂકને જોવામાં આવે તો ૨૦૨૬ માટે ક્રૂડની સરેરાશ કીંમત ૯૫ ડોલર પ્રતિ બેરલ રહેવાનો અંદાજ છે. ૨૦૨૭માં આ કીંમત ઘટીને ૮૦ ડોલર રહેવાનો અંદાજ છે.

આલ્બર્ટ પાર્કે જણાવ્યું છે કે ખાડી દેશોમાં ચાલી રહેલી તંગદિલીને કારણે ભારતની જીડીપી વૃદ્ધિમાં ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળશે. જેના કારણે ભારતનો જીડીપી ઘટીને ૬.૩ ટકા થઇ જશે. 

ઉવ્લેખનીય છે કે એશિયન વિકાસ બેંકે ગત એપ્રિલમાં અંદાજ મૂક્યો હતો કે ભાજનો જીડીપી વિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૯ ટકા રહેવાની શક્યતા છે. જ્યારે મજબૂત ડોમેસ્ટિક માંગને કારણે આગામી નાણાકીય વર્ષમાં તે વધીને ૭.૩ ટકા રહેશે.

એડીબી અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં ફુગાવામાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. અગાઉ ફુગાવાનો અંદાજ ૪.૫ ટકા મૂકવામાં આવ્યો હતો. જે હવે ૬.૯ ટકા કરવામાં આવ્યો છે. જે ફુગાવામાં ૨.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.