અભિનેત્રી અમિષા પટેલ મોઢું છુપાવીને કોર્ટમાં હાજર થઈ
રાંચીમાં ચેક બાઉન્સના કેસમાં આરોપી તરીકે હાજર
સમન્સનો અનાદર કરતાં ધરપકડ વોરન્ટ નીકળ્યું હતું કોર્ટમાં હાજર થઈ જામીન મેળવ્યા
મુંબઇ : અભિનેત્રી અમિષા પટેલ ચેક બાઉન્સના એક કેસમાં રાંચી કોર્ટમાં હાજર થઈ હતી. તે પોતાનો ચહેરો છૂપાવીને કોર્ટ સંકુલમાં જઈ રહી હોવાની તસવીરો વાયરલ થઈ હતી.
એક પ્રોડયૂસરે 'દેશી મેજિક' નામની ફિલ્મ બનાવવા માટે અમિષાને અઢી કરોડ રુપિયા આપ્યાનું કહેવાય છે. જોકે, આ ફિલ્મ કયારેય બની જ નહીં અને અમિષાએ પૈસા પણ પાછા આપ્યા ન હતા. આથી, પ્રોડયૂસરે અમિષા સામે ચિટિંગની ફરિયાદ કરતાં અમિષાએ તેમને અઢી કરોડ રુપિયાના ચેક આપ્યા હતા. જોકે, આ ચેક બાઉન્સ થયા હતા.
આ કેસ સંદર્ભે અદાલતે અમિષાને સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેણે હાજર રહેવાની દરકાર લીધી ન હતી. આખરે અદાલતે તેની સામે ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. તેને પગલે અમિષા રાંચી પહોંચી હતી ્અને પોતાનો ચહેરો છુપાવી રાંચી કોર્ટ સંકુલ પહોંચી હતી. ત્યાં અદાલતે તેને જામીન મંજૂર કર્યા હતા પરંતુ તેને ફરી ૨૧મી જૂને હાજર થવા આદેશ આપ્યો હતો.
અમિષાએ આ કેસમાં રાહત માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર પણ ખખડાવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે અમિષા સામે ઠગાઈ કેસમાં ફોજદારી કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો પરંતુ ચેક બાઉન્સનો કેસ ચાલુ રહેશે તેમ જણાવ્યંો હતું.