આગ્રા,
તા. ૯
ઉત્તર પ્રદેશના આગ્રામાં એસિડ હુમલાના જૂના અલગ અલગ કેસોમાં
મહિલાઓને મદદ મળી છે. એસિડ હુમલા પીડિતાઓની ફરિયાદ મળ્યા પછી પોલીસ કમિશનર દ્વારા
આ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિલા પર ૧૯૯૭, બીજી મહિલા પર ૨૦૦૨,
ત્રીજી મહિલા પર ૨૦૧૩માં એસિડ હુમલો કરવામાં આવ્યો હતો.
વર્ષ ૧૯૯૭માં મોહલ્લા ગુમ્મટમાં રહેનારી પીડિતા પર એસિડ
હુમલો કરવામાં આવ્યો હતોે. આ હુમલાને કારણે પીડિતાનો ચહેરો બળી ગયો હતો. પીડિતાએ
પોલીસ ફરિયાદ કરી હતી પણ કેસ ચાલ્યો ન હતો. પીડિતાએ ન્યાયની આશા છોડી દીધી હતી.
વર્ષો પછી પીડિતાની મુલાકાત પોલીસ કમિશનર
સાથે થઇ હતી. પીડિતાની ફરિયાદ સાંભળ્યા પછી કમિશનરે તાજગંજ પોલીસ સ્ટેશનને ફરિયાદ
દાખલ કરાવવાનો આદેશ આપ્યો હતો. તાજગંજ પોલીસે પીડિતાની ફરિયાદને આધારે ૨૬ વર્ષ પછી
એસિડ હુમલાનો કેસ દાખલ કર્યો હતો.પોલીસે પીડિતાની ફરિયાદ પર અજ્ઞાાત આરોપીઓની
વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં પણ પોલીસ આરોપીઓની ઓળખ અને શોધવાના પ્રયત્નો
કરી રહી છે.
વર્ષ ૨૦૦૨માં એત્માદ્દોલામાં રહેતી યુવતી પોતાની બહેનના
પતિના ઘરે ગઇ હતી. બહેનના દિયરે સાત ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ તેના પર એસિડ ફેંક્યો હતો.જેના કારણે તેનો ચહેરો
અને શરીર બળી ગયો હતો. પીડિતા પર જ્યારે એસિડ હુમલો કરવામાં આવ્યો ત્યારે તેની
ઉંમર ફક્ત ૧૪ વર્ષ હતી. ન્યાયની આશામાં પીડિતા ૨૧ વર્ષ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા
ખાતી રહી પણ કોઇ સુનાવણી થઇ ન હતી. પોલીસ કમિશનરના આદેશ પછી ૨૧ વર્ષ પછી
એત્માદ્દોલા પોેલીસ સ્ટેશનમાં આરોપીઓની વિરુદ્ધ એસિડ હુમલાનો કેસ દાખલ કરવામાં
આવ્યો હતો.
ત્રીજો કેસ હરી પર્વત પોલીસ સ્ટેશનનોે છે. વર્ષ ૨૦૧૩માં
પીડિતા પર એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસે કેસ દાખલ કર્યો હતો.
આરોપીની વિરુદ્ધ કાર્યવાહી પણ થઇ હતી પરંતુ પીડિતા લાંબા સમયથી રી મેડિકલની માગ
કરી હતી. પીડિતાની માગને ધ્યાનમાં રાખીને આગ્રા પોલીસ કમિશનરે પીડિતાનું રી મેડિકલ
કરાવવા માટે જિલ્લા અધિકારી અને મુખ્ય તબીબી અધિકારીને પત્ર લખ્યો છે. પોલીસ
કમિશનર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી એસિડ એટેક પીડિતાઓએ રાહતના શ્વાસ લીધા
છે. તમામે પોલીસ કમિશનરનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું હતું કે હવે તેમને
ન્યાયની આશા જાગી છે.


