હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટો અકસ્માત, અલ્ટો કાર ખાડામાં ખાબકી, 4 લોકોના ઘટના સ્થળે મોત
Meta AI Image |
Accident In Kullu, Himachal Pradesh : હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં આજે રવિવારે (6 જુલાઈ) ગંભીર અકસ્મતાની ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટનામાં રોહતાંગ પાસ નજીક રાહનીનાલ ખાતે કાર રોડ પરથી લપસીને ઊંડા ખીણમાં ખાબકી હતી.
કાર ખીણમાં ખાબકી, 4ના મોત
મનાલીના DSPએ જણાવ્યું કે, અલ્ટો કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે ચાર મૃતકો હજુ સુધી ઓળખ થઈ નથી.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, ઘાયલ વ્યક્તિ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરુ છું અને દિવંગત આત્માઓને ભગવાન પોતાના ચરણમાં સ્થાન આપે.'
39 રસ્તાઓ બંધ
મળતી માહિતી મુજબ, ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તો લપસણો હોવાનું કહેવાય છે. કુલ્લૂ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ બ્લોક છે, જેનાથી પરિવહન પ્રભાવિત થયુ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, કુલ્લૂ જિલ્લાના બંજર અને નિરમંડ સબ-ડિવિઝનમાં 39 રસ્તાઓ બંધ છે.
મોનસૂન દરમિયાન માર્ગ અકસ્માતની ઘટના સામે આવે છે, ત્યારે આ સિઝનમાં હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોના મોત થયા છે. વહીવટીતંત્રે લોકોને વરસાદ દરમિયાન સાવધાની રાખવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવાની અપીલ કરી છે. જ્યારે ઈમરજન્સી માટે 24x7 હેલ્પલાઇન નંબર 1070 જાહેર કરાયો છે. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે. અકસ્માતના કારણો શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.