Get The App

ઉન્નાવમાં બસ અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત : 18નાં મોત, 19 ઘાયલ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ઉન્નાવમાં બસ અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત : 18નાં મોત, 19 ઘાયલ 1 - image


- મૃતકોમાં 14 પુરુષો, ત્રણ મહિલા, એક બાળક સામેલ

- બિહારના મોતિહારીથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ મિલ્ક ટેન્કરને પાછળથી ભટકાઈ

- વડાપ્રધાન મોદીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવાની જાહેરાત કરી

(પીટીઆઇ) ઉન્નાવ (ઉ.પ્ર.) : ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આજે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર દિલ્હી જતી ડબલ ડેકર સ્લીપર બસ દૂધના ટેન્કર સાથે ટકરાતા ૧૮ લોકોનાં મોત થયા છે એને ૧૯ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આ અકસ્માત સવારે પાંચ વાગ્યે બેહતા મુઝાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોજીકોટ ગામની પાસે સર્જાયો હતો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે બિહારના મોતિહારીથી આવી રહેલ બસની ઝડપ ખૂબ જ વધારે હતી અને તેણે મિલ્ક ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી.

તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ૧૮ લોકોનાં મોત થયા છે અને ૧૯ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

રાઠીએ જણાવ્યું હતું કે જે લોકોને સામાન્ય ઇજા થઇ છે તેવા ૨૦ યાત્રીઓને અન્ય બસમાં દિલ્હી મોકલવામાં આવ્યા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, લખનઉ, એસ બી શ્રીરાધકરે જણાવ્યું હતું કે અક્સ્માતમાં ૧૪ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનું મોત થયું છે.

બાંગરમાઉ સર્કલ ઓફિસર (સીઓ) અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર જોરદાર ટક્કરને પગલે બસ અને મિલ્ક ટેન્કર બને ઉંધી થઇ ગઇ હતી. બંને વાહનોના ડ્રાઇવરોના મોત થયા છે. 

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલોની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે. બસમાં કુલ ૩૦ યાત્રીઓ સવાર હતાં. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. 

વડાપ્રધાન મોદી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.


Google NewsGoogle News