image : Twitter |
પંજાબ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજાએ ઈન્ડિગો ફ્લાઈટમાં બનેલી એક વિચિત્ર ઘટના શેર કરી હતી. તેમણે દાવો કર્યો કે ચંડીગઢથી જયપુરની 90 મિનિટની ઉડાન દરમિયાન વિમાનમાં એસી કામ નહોતું કરી રહ્યું. એવામાં એરહોસ્ટેસે લોકોને પરસેવો લૂંછવા માટે ટિશ્યૂ પેપર આપી દીધા હતા. આ લોકો ઈન્ડિગોની 6E7261 ફ્લાઈટોમાં મુસાફરી કરી રહ્યા હતા.
ફ્લાઈટની અંદરનો વીડિયો શેર કર્યો
રાજાએ વિમાનની અંદરનો વીડિયો શેર કર્યો હતો જેમાં લોકો હાથ વડે મેગેઝિન કે ટિશ્યૂ પેપરથી હવા નાખતા દેખાય છે. તેમણે લખ્યું કે દઝાડતા તડકામાં 10થી 15 મિનિટ સુધી ઊભા રહ્યા બાદ જ્યારે વિમાનમાં પહોંચ્યા તો ખબર પડી કે એસી જ ચાલી રહ્યું નથી. અમને આંચકો લાગ્યો. ટેકઓફથી લેન્ડિંગ સુધી એસી બંધ રહ્યું અને અમે આખા સફર દરમિયાન હેરાન થયા. કોઈએ આવી અસુવિધા સામે સવાલ ન કર્યો.
ડીજીસીએને કાર્યવાહી કરવા કરી માગ
તેમણે કહ્યું કે એરહોસ્ટેસે મહેરબાન બનીને લોકોને પરસેવો લૂંછવા ટિશ્યૂપેપર આપી દીધા હતા. ઘણી મહિલાઓ અને બાળકો બેચેન જોવા મળ્યા. એવામાં યાત્રીઓ મજબૂર થઈને હાથ વડે પંખો નાખતા દેખાયા. આ એક મોટી ટેક્નિકલ ખામી હતી પણ આ લોકોએ તો પૈસા જ કમાવવા છે. એટલા માટે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. તેમણે ડીજીસીએને એરલાઈન્સ પર કાર્યવાહી કરવા કહ્યું છે જેનાથી કોઈ અન્યએ હેરાન ન થવું પડે.


