દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં 'આપ'ના સંજય સિંહને છ મહિને જામીન મળ્યા

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં 'આપ'ના સંજય સિંહને છ મહિને જામીન મળ્યા 1 - image


- સુપ્રીમના ચુકાદાથી છ મહિનાથી જેલમાં બંધ સિંહને મોટી રાહત

- સંજય સિંહને જામીન આપવા સામે કોઇ વાંધો ન હોવાનું ઇડીએ જણાવતા સુપ્રીમે જામીનનો આદેશ આપ્યો

- સિંહને આપવામાં આવેલા જામીન જેલમાં બંધ આપના અન્ય નેતાઓ માટે દ્રષ્ટાંતરૂપ ગણાશે નહીં : સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે આપ નેતા અને રાજ્યસભા સાંસદને દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે ઇડીને પૂછ્યું કે શું સંજય સિંહને વધુ સમય કસ્ટડીમાં રાખવાની જરૂર છે? તેના પર ઇડીએ જણાવ્યું કે તેમને જામીન આપવામાં આવે તો અમને કોઇ વાંધો નથી.

આ સાંભળતા જ ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પી બી વરાલેની ખંડપીઠે સંજય સિંહને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમને જામીન એવા સમયે આપવામાં આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી ૧૯ એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણી અગાઉ નેતૃત્ત્વની અછતનો સામનો કરી રહી છે.

આ જ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયા તિહાર જેલમાં બંધ છે. 

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે આપ નેતા સંજય સિંહ પોતાની રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે છે પરંતુ કેસના સંબધમાં કોઇ નિવેદન આપી શકતા નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે સિંહ સમગ્ર કેસ દરમિયાન જામીન પર બહાર રહેશે અને જામીનના નિયમ અને શરતો વિશેષ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.

ખંડપીઠે જણાવ્યું હતું કે સંજય સિંહને આપવામાં આવેલ જામીનને ઉદાહરણરૂપ ગણવામાં આવશે નહીં. જેના કારણે આ જામીન આદેશથી કેજરીવાલ સહિત જેલમાં બંધ  અન્ય આપ નેતાઓને વધારે મદદ મળી શકશે નહીં. 

ઉલ્લેખનીય છે કે ઇડીએ સંજય સિંહની ૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ધરપકડ કરી હતી. વકીલે કોર્ટમાં ઇડીને ત્રણ પ્રશ્રો પૂછ્યા હતાં જે પૈકી તે એકનો પણ જવાબ આપી શકી ન હતી. આ ત્રણ પ્રશ્રો એ હતાં કે સંજય સિંહ પર બે કરોડ રૂપિયાનો આરોપ મૂકવામાં આવ્યો હતો તેના પુરાવા ક્યાં છે? છ મહિના જેલમાં રાખવાથી શું પ્રાપ્ત થયું? તપાસ એજન્સી પાસે મની ટ્રેલના ક્યાં પુરાવા છે? 

સુપ્રીમે ઇડીને પૂછ્યું હતું કે સંજય સિંહને અત્યાર સુધી જેલમાં રાખવાની જરૂર શું છે? એ સમજમાં આવતું નથી કે સિંહને કસ્ટડીમાં રાખવા કેમ જરૂરી છે? દિનેશ અરોરાના અગાઉ આપેલા ૯ નિવેદનોમાં સંજય સિંહનું નામ લીધું નથી. સત્ય વાત એ છે કે સંજય સિંહ પાસેથ કોઇ નાણાં મળી આવ્યા નથી.


Google NewsGoogle News