Pakistan Afghanistan conflict : ભારત બાદ પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ શરૂ કર્યો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પણ વેર વાળ્યું છે. અફઘાનિસ્તાનની સેના દ્વારા કરાયેલા હુમલામાં પાકિસ્તાનના 58થી વધુ સૈનિકોના મોત થયા છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશમંત્રી આમિર ખાન મુત્તાકી હાલ ભારતના પ્રવાસે છે. એવામાં તેમણે ભારતથી જ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તથા તેમણે એ પણ પુષ્ટિ કરી છે કે કતાર અને સાઉદી અરેબિયાની અપીલ બાદ જ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો રોક્યો હતો.
પાકિસ્તાનને શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણા રસ્તા છે: અફઘાનિસ્તાન
મુત્તાકીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે અમે વાતચીતથી શાંતિપૂર્ણ સમાધાન કરવા ઈચ્છીએ છીએ, પણ જો એવું ન થાય તો અમારી પાસે બીજા ઘણાં વિકલ્પ છે. પાકિસ્તાનના લોકો સાથે અમને કોઈ સમસ્યા નથી. અમુક એવા તત્ત્વો છે જે પરિસ્થિતિ ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન તેની સરહદ અને લોકોની રક્ષા કરશે.'
સાઉદી અરેબિયા અને કતારની મધ્યસ્થીના કારણે સંઘર્ષ રોકાયું
મુત્તાકીએ વધુમાં કહ્યું, કે 'ગઇકાલે રાત્રે અમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું અને અમારા લક્ષ્ય હાંસલ કર્યા. અમારા મિત્ર રાષ્ટ્ર કતાર અને સાઉદી અરેબિયાએ યુદ્ધ રોકવા અપીલ કરી જે બાદ અમારા તરફથી હુમલા બંધ થયા. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.'
મહિલાઓના શિક્ષણ અંગે જવાબ
ભારતમાં મુત્તાકીએ કરેલી પત્રકાર પરિષદમાં તેમને છોકરીઓને શિક્ષણ આપવા મામલે સવાલ કરવામાં આવ્યો. જેના પર જવાબ આપતા તેમણે કહ્યું, કે 'અફઘાનસિતમાં ઉલેમા, મદરેસાના દેવબંધ સાથે સંબંધ છે. અમારી શાળાઓમાં એક કરોડ વિદ્યાર્થી અભ્યાસ કરે છે જેમાં 28 લાખ મહિલાઓ અને છોકરીઓ છે. અમે શિક્ષણનો વિરોધ નથી કરતાં. શિક્ષણ હરામ નથી.'
ભારતની મહિલા પત્રકારોને પણ એન્ટ્રી અપાઈ
નોંધનીય છે થોડા દિવસ અગાઉ પણ મુત્તાકીએ ભારતમાં એક પત્રકાર પરિષદ કરી હતી. જે બાદ આરોપ લાગ્યા હતા કે ત્યાં મહિલા પત્રકારોને એન્ટ્રી આપવામાં આવી નહીં. જેના પર ભારતના વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો. જોકે આજની પત્રકાર પરિષદમાં મહિલાઓને પણ ખાસ આમંત્રણ અપાયું હતું. આ મુદ્દે મુત્તાકીએ કહ્યું, કે 'તે પત્રકાર પરિષદ શોર્ટ નોટિસ પર કરવામાં આવી હતી જેમાં પત્રકારોની એક નાની યાદી તૈયાર કરાઈ હતી. અમારો કોઈ ખોટો ઈરાદો નહોતો.'
અફઘાનિસ્તાનના હુમલામાં પાકિસ્તાનના 58 સૈનિકોના મોત
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર ભીષણ હુમલો કર્યો છે. APના અહેવાલ અનુસાર તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ લીધેલા બદલામાં પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર થયા છે જ્યારે 30 ઈજાગ્રસ્ત છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાનની 25 ચોંકી પર કબજો કરી લીધો છે.
પાકિસ્તાનની અંદર ઘૂસી અફઘાન સેના
નોંધનીય છે કે પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે તાલિબાને પાકિસ્તાનની સરહદ પર શનિવારે રાત્રે હુમલો કર્યો. અફઘાનિસ્તાનની સેના સરહદ (Durand Line) ઓળંગી પાકિસ્તાનમાં ઘૂસી ગઈ અને 25 ચોકી પર કબજો કરી લીધો. તાલિબાને પાકિસ્તાનની અનેક પોસ્ટ તબાહ કરી નાંખી. સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર પાકિસ્તાનના જવાબી હુમલામાં અફઘાનિસ્તાનની પણ કેટલીક ચોકીઓને નુકસાન થયું છે.
કેમ વધ્યો બંને દેશો વચ્ચે તણાવ?
પાકિસ્તાનના ગૃહમંત્રી નકવીએ કહ્યું છે, કે અફઘાનિસ્તાનની સેના રહેણાંક વિસ્તાર પર હુમલા કરી રહી છે જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અમારી સેના જડબાતોડ જવાબ આપી રહી છે. નોંધનીય છે કે પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન તહેરિક-એ-તાલિબાન નામના સંગઠનના બળવાખોરોને શરણ આપે છે. જેને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.


