Get The App

આધાર બાયોમેટ્રિક અપડેટ: શાળામાં યોજાશે કેમ્પ, UIDAIના CEOએ રાજ્યોને લખ્યો પત્ર

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
આધાર બાયોમેટ્રિક અપડેટ: શાળામાં યોજાશે કેમ્પ, UIDAIના CEOએ રાજ્યોને લખ્યો પત્ર 1 - image


Aadhar Card Biomatric Update : UIDAI એ દેશભરની શાળાઓને 5 થી 15 વર્ષની વયના બાળકોના આધાર કાર્ડ સમયસર અપડેટ કરવા માટે અપીલ કરી છે. UIDAI ના CEO, ભૂવનેશ કુમારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને શાળાઓમાં વિશેષ શિબિરો યોજીને બાકી રહેલા ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ (MBU) પૂર્ણ કરવા જણાવ્યું છે.

UIDAI દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 'UIDAI એ શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે મળીને શાળાના બાળકોના આધાર સંબંધિત ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની સ્થિતિને યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવી છે. આ એક એવું પગલું છે જેનાથી કરોડો વિદ્યાર્થીઓ માટે આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની પ્રક્રિયા સરળ બનશે.'

17 કરોડ આધાર કાર્ડ અપડેટ થયા નથી

UIDAI એ જણાવ્યું કે, 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરે બાળકોના આધાર બાયોમેટ્રિક ડેટાનું અપડેટ સમયસર કરાવવું ખૂબ જ જરૂરી છે. હાલમાં, લગભગ 17 કરોડ આધાર નંબરો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ બાકી છે.

પરીક્ષાના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી શકે છે

જો બાળકોનો બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવામાં ન આવે, તો ભવિષ્યમાં તેમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં, તેમજ NEET, JEE, CUET જેવી સ્પર્ધાત્મક અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં રજીસ્ટ્રેશન અને વેરિફિકેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. UIDAI ના CEO એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આ પહેલ વિશે જાણ કરી છે અને MBU કેમ્પના આયોજન માટે તેમનો સહયોગ માંગ્યો છે.


Tags :