છૂટાછેડા વગર બીજા લગ્ન કરનાર મહિલાને બીજા પતિ પાસેથી ભરણપોષણનો અધિકાર !
- કલમ ૧૨૫ મુજબ ભરણપોષણને સુપ્રીમની મંજૂરી
- પ્રથમ લગ્ન ભંગ ના થયા હોવા છતાં તેનો લાભ લઇને બીજો પતિ લગ્નનું સુખ ભોગવ્યા બાદ જવાબદારીથી છટકી ના શકે : સુપ્રીમ
- પ્રથમ પતિ સાથે કરાર કરી છૂટી પડી, બીજા પતિ સાથે બે વખત લગ્ન કર્યા બાદમાં છૂટી પડી અને ભરણપોષણ માગ્યું પણ બીજા પતિએ ના પાડી હતી
નવી દિલ્હી: મહિલાઓ-બાળકોના અધિકારોને લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જો કોઇ મહિલાએ પહેલા પતિથી કાયદેસર છૂટાછેડા ના લીધા હોય છતા બીજા પુરુષ સાથે લગ્ન કરીને પત્ની તરીકે રહે તો તેવી સ્થિતિમાં મહિલા પોતાના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ અધિકાર મહિલાને સીઆરપીસીની કલમ ૧૨૫માં આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ સવાલ એ હતો કે જો કોઇ મહિલાના પ્રથમ લગ્ન ભંગ ના થયા હોય ને તે કોઇ બીજા પુરુષ સાથે લગ્ન કરી લે તો તેના બીજા લગ્નને કાયદેસર માનવા કે નહીં, બીજા પતિ પાસેથી મહિલા ભરણપોષણ મેળવી શકે કે નહીં. આ સમગ્ર મામલો તેલંગાણાનો છે, ૧૯૯૯માં હૈદરાબાદમાં ઉષા રાની નામની મહિલાના લગ્ન નોમુલા શ્રીનિવાસ સાથે થયા હતા, બન્ને વચ્ચે એક બાળકનો જન્મ થયો હતો, કોઇ કારણોસર બન્ને વચ્ચે વિવાદ થતા અલગ થવાનું નક્કી કર્યું હતું.
૨૦૦૫માં બન્ને અલગ થઇ ગયા આ દરમિયાન બન્ને વચ્ચે અલગ થવા મુદ્દે એક સમજૂતી (એમઓયુ) પણ થઇ હતી અને સ્વેચ્છાએ લગ્નનો ભંગ કર્યો હતો પણ કોર્ટમાં છૂટાછેડાની અરજી નહોતી કરી. બાદમાં મહિલાએ તેના પાડોશી સાથે લગ્ન કરી લીધા હતા, જોકે આ લગ્નને તેના બીજા પતિએ કોર્ટમાં પડકાર્યા અને તેને ગેરકાયદે જાહેર કરવા ફેેમેલી કોર્ટમાં અપીલ કરાઇ હતી, ફેમેલી કોર્ટે લગ્નને રદબાતલ જાહેર કર્યા હતા. બાદમાં ફરી મહિલા અને તેના પાડોશીએ લગ્ન કરી લીધા હતા.
આ બીજા લગ્નની હૈદરાબાદમાં ૨૦૦૬માં કાયદેસર નોંધણી પણ કરવામાં આવી હતી. બાદમાં બીજા લગ્નમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં બીજા લગ્નમાં પણ વિવાદ થવા લાગ્યો, મહિલાએ બીજા પતિ પર ઘરેલુ હિંસાનો કેસ કર્યો સાથે જ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ બીજા પતિ પાસેથી ભરણપોષણની માગણી કરી હતી. ફેમેલી કોર્ટે વર્ષ ૨૦૧૨માં પત્નીને ૫૦૦૦ અને પુત્રીને ૩૫૦૦ ભરણપોષણ આપવા બીજા પતિને આદેશ કર્યો હતો. બાદમાં બીજા પતિએ ફેમેલી કોર્ટના ચુકાદાને હૈદરાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે મહિલાએ પહેલા પતિથી કાયદેસર છૂટાછેડા નહોતા લીધા માટે મારા તેની સાથેના લગ્ન કાયદેસર ના કહેવાય, હાઇકોર્ટે પત્નીના ભરણપોષણના આદેશને રદ કર્યો અને પુત્રીના ભરણપોષણના આદેશને યોગ્ય ઠેરવ્યો. બાદમાં મહિલાએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં મહિલાએ એવી દલીલ કરી હતી કે હું મારા બીજા પતિની સાથે પત્ની તરીકે જ રહેતી હતી, મારા અગાઉ લગ્ન થયા હતા અને મારા પહેલા પતિથી હું અલગ રહેતી હતી તેની જાણકારી મારા બીજા પતિને હતી. મારા પહેલા પતિ સાથે છૂટા પડવાના કરાર કર્યા હતા જેને પણ મે કોર્ટમાં રજુ કર્યા છે. જ્યારે બીજા પતિએ એવી દલીલ કરી હતી કે મહિલાએ પ્રથમ લગ્નમાંથી કાયદેસર છૂટાછેડા ના લીધા હોવાથી મારી સાથેના તેના બીજા લગ્નને કાયદેસર ના ગણી શકાય, તેથી મહિલા આર્ટિકલ ૧૨૫માં પત્નીની જે વ્યાખ્યા છે તેની કેટેગરીમાં નથી આવતી, તેને પત્ની ના ગણી શકાય માટે હું ભરણપોષણ નહીં આપું.
સુપ્રીમ કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સીઆરપીસીની કલમ ૧૨૫ મુજબ ફેમેલી કોર્ટે બીજા પતિને ભરણપોષણ માટે જે આદેશ આપ્યો હતો તેને યોગ્ય ઠેરવ્યો હતો. સાથે જ આર્ટિકલ ૧૨૫ની વિસ્તૃત વ્યાખ્યા કરીને મહિલાઓ, બાળકોના અધિકારોની રક્ષક ગણાવી હતી.
પત્ની તરીકે રહેતી મહિલાને લિવ-ઇનમાં ના ખપાવી શકાય : સુપ્રીમ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્ના અને ન્યાયાધીશ સતિશ ચંદ્ર શર્માની બેંચે ચુકાદો આપતા કહ્યું હતું કે મહિલાએ બીજા પતિથી પ્રથમ લગ્નને નહોતા છુપાવ્યા, એટલે કે બીજો પતિ મહિલાના પ્રથમ લગ્નથી અજાણ નહોતો, મહિલા અંગે બધી માહિતી હોવા છતા તેની સાથે બે વખત લગ્ન કર્યા. પ્રથમ લગ્ન ભંગના કરારો છૂટાછેડા ના કહેવાય તેમ છતા તેના પરથી સાબિત થાય છે કે મહિલા પ્રથમ પતિથી અલગ થઇ ગઇ હતી અને તેની સાથે નહોતી રહેતી. તેથી કાયદેસર છૂટાછેડાનો કોઇ આધાર ના હોવાના એક માત્ર કારણથી મહિલાને ભરણપોષણથી વંચિત ના રાખી શકાય. આર્ટિકલ ૧૨૫ મુજબ ભરણપોષણ તે પતિની જવાબદારી છે, ભારતમાં પરણિત મહિલાને છૂટાછેડા બાદ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. કલમ ૧૨૫ આવી મહિલાઓ અને તેના બાળકોના રક્ષણ માટે છે. આ કેસમાં મહિલા લિવ-ઇન રિલેશનશિપમાં નહોતી રહેતી પરંતુ પત્ની તરીકે જ રહેતી હતી. એવામાં મહિલાની આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેનો બીજો પતિ ભરણપોષણથી છટકી ના શકે. પુરુષ લગ્નમાં જોડાય અને તેનો આનંદ ઉઠાવે બાદમાં એમ ના કહી શકે કે લગ્ન ગેરકાયદે છે.