India

અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત

By GS TEAM
25 Aug 20253 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના પુણેથી એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પતિનો જીવ બચાવવા માટે પોતાના લિવરનું દાન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી. પરંતુ સર્જરી પછી પતિનું મૃત્યુ થઈ ગયું અને થોડા દિવસો પછી પત્નીનું પણ મૃત્યુ થયું. આ કારણે લોકોએ પ્રાઈવેટ હોસ્પિટલ પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત

Image Source: Twitter

Maharashtra: મહારાષ્ટ્રના પુણેથી એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પતિનો જીવ બચાવવા માટે પોતાના લિવરનું દાન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી. પરંતુ સર્જરી પછી પતિનું મૃત્યુ થઈ ગયું અને થોડા દિવસો પછી પત્નીનું પણ મૃત્યુ થયું. આ કારણે લોકોએ પ્રાઈવેટ હોસ્પિટલ પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

આરોગ્ય સેવાના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. નાગનાથ યેમ્પલ્લેએ જણાવ્યું કે, 'આ ઘટના અંગે સહ્યાદ્રી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને સોમવાર સુધીમાં આ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત તમામ માહિતી સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અમે હોસ્પિટલને નોટિસ જારી કરી છે. આમાં અમે પીડિતાનું વીડિયો રેકોર્ડિંગ અને સારવાર પ્રક્રિયા વિશે માહિતી માંગી છે. અમને આ રિપોર્ટ સવારે 10:00 વાગ્યા સુધીમાં મળી જશે.'

શું છે સમગ્ર મામલો?

અહેવાલ પ્રમાણે મૃતક બાપૂ કોમકરને લિવરની સમસ્યા હતી, જેને લઈને ડૉક્ટરે તેમને ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. તેમના પત્ની કામિનીએ પતિનો જીવ બચાવવા માટે તેમને પોતાનું લિવર દાન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ 15 ઓગષ્ટના રોજ બંનેની જ સહ્યાદ્રી હોસ્પિટલમાં સર્જરી થઈ. પરંતુ સર્જરીના બે દિવસ બાદ જ બાપૂ કોમકરની તબિયત ખરાબ થઈ ગઈ અને 17 ઓગષ્ટના રોજ તેમનું મોત થઈ ગયું. ત્યારબાદ કામિનીને 21 ઓગષ્ટના રોજ ઈન્ફેક્શન થઈ ગયુ અને તેમનું પણ મૃત્યુ થઈ ગયું.  

બંને લોકોના મોત થઈ જતાં બાપૂ અને કામિનીના પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં તેમણે આરોગ્ય વિભાગને આ મામલાની તપાસ કરવા અને હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે, હોસ્પિટલે પોતાનો બચાવ કરતા કહ્યું કે, બંનેની સર્જરી સંપૂર્ણપણે મેડિકલ પ્રોટોકોલનું પાલન કર્યા પછી જ કરવામાં આવી હતી.

આ એક હાઈ રિસ્ક કેસ હતો

હોસ્પિટલ તરફથી કેસ વિશે માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે, અમે કોમકર પરિવાર પ્રત્યે પોતાની સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરીએ છીએ. દર્દીને લિવર અને અન્ય અંગો સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ હતી, આ એક હાઈ રિસ્ક કેસ હતો. અમે પરિવારને આ સર્જરી સંબંધિત જટિલતાઓ વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી. સર્જરી સંપૂર્ણ પ્રમાણભૂત પ્રોટોકોલ પછી જ કરવામાં આવી હતી. કમનસીબે સર્જરીના થોડા દિવસો પછી દર્દીને કાર્ડિયોજેનિક શોક આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. દાતાની વાત કરીએ તો શરૂઆતમાં તેમણે વધુ સારા પરિણામો દર્શાવ્યા અને તેમણે સારી રિકવરી કરી. પરંતુ બાદમાં તેને શોકને કારણે મલ્ટી-ઓર્ગન ફેલયર જેવી સમસ્યા થઈ, જેના કારણે તેમને બચાવી ન શકાયા. 

આ પણ વાંચો: Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ

હોસ્પિટલે આરોગ્ય વિભાગ તરફથી નોટિસ મળ્યાની પુષ્ટિ કરી અને કહ્યું કે, 'અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છીએ. આ મામલાની તપાસ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે જરૂરી માહિતી અને સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.'