ઉકળતા પાણીમાં રાંધ્યા વિના ઠંડા પાણીમાં જ તૈયાર થઇ જતી ચોખાની જાત, લાખો ટન બળતણની થશે બચત
માત્ર ૩૦ મીનિટ ઠંડા પાણીમાં રાખવાથી ચાવલ પોચા બની જાય છે.
પહેલા આ પ્રકારની ખેતી અસમના માજૂલી ટાપુ પર થતી હતી.
પટણા,૧૬ નવેમ્બર,૨૦૨૨,બુધવાર
ચાવલ એટલે કે ચોખા ભારતીયોનું સ્ટેપલ ફૂડ છે. ભારતના દરેક ભાગમાં ઓછા કે વત્તા પ્રમાણમાં ચાવલનો ઉપયોગ થાય છે. દેશમાં લાખો ગરીબ પરીવારો ચાવલ ચૂલા કે ગેસ પર રાંધીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ચાવલને અગ્નિ પેટાવીને ઉકળતા પાણીમાં રાંધવાની જરુર પડશે નહી.
બિહારમાં એક ખેડૂત છેલ્લા ૪ વર્ષથી ઠંડા પાણીમાં પલાડીને પણ ખોરાક તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી ચાવલની જાત શોધી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકારની ખેતી અસમના માજૂલી ટાપુ પર થતી હતી. ૩ વર્ષ પહેલા બિહારના હરપુર સોહસાના રહેવાસી ખેડૂત વિજયગિરીએ આ વિશિષ્ટ ચાવલની પ્રાયોગિક ખેતી કરી હતી.તેઓ પશ્ચિમ બંગાળમાં એક કૃષિમેળામાં ગયા હતા ત્યાંથી તેમને ચાવલની જાત મળી હતી.
શરુઆતમાં ૧ એકરમાં વાવેતર કર્યુ તેનું ખૂબ સારુ પરીણામ મળ્યું. ચાવલના પાકમાં કોઇ પણ પ્રકારની રાસાયણિક દવાઓ કે ખાતરોનો ઉપયોગ કર્યો ન હતો.ચંપારણ વિસ્તારમાં ચાવલની ખેતી અંગે વિવિધ પ્રયોગો કરીને ખેડૂત વિજયગિરી જાણીતા બન્યા છે.તેમણે અગાઉ બ્લેક અને વ્હાઇટ ચોખાની જાત પણ ઉગાડી હતી.
તેઓ ચોખાની લૂપ્ત થતી સ્થાનિક જાતોના સંવર્ધન અને ઉત્પાદન માટે પ્રયાસ કરે છે. માત્ર ૩૦ મીનિટ ઠંડા પાણીમાં પલાળી રાખવાથી ચાવલ ખોરાક માટે ઉપયોગ કરી શકાય તેવા પોચા બની જાય છે. બજારમાં આ પ્રકારના ચાવલનું મોટા પાયે ઉત્પાદન કરીને લાવવાની જરુર છે. જો આ ચાવલનો સીધો ઉપયોગ કરી શકાશે તો લાખો ટન બળતણ ઉર્જાની બચત કરી શકાય છે.