દિલ્હીમાં મોડી રાતે વાવાઝોડું! ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન, વૃક્ષ પડતાં 4ના મોત
Delhi Weather News | દિલ્હીમાં મોડી રાતે અચાનક જ હવામાને પલટી મારતાં બધે જ પાણી પાણી થઈ ગયું. લગભગ 70 થી 80 કિ.મી.ની ઝડપે ધૂળભરી આંધી સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના પગલે 40 જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કે ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય 100 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે દક્ષિણ દિલ્હીના જાફરપુર કલાંમાં એક મકાન પર વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થતાં 3 બાળકો અને તેમની માતા મૃત્યુ પામી ગઈ. હજુ પણ ઘણાં લોકો કાટમાળ નીચે દટાયેલાં છે. જ્યારે દિલ્હીના છાવલામાં એક ઘર છત ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. જેમને હેમખેમ બચાવી લેવાયા હતા.
એરલાઇન્સ દ્વારા એડવાઈઝરી જાહેર
અત્યાર સુધીની માહિતી અનુસાર એરલાઈન્સ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે યાત્રીઓ ફ્લાઈટ્સની લેન્ડિંગ કે ટેકઓફ વિશે એરલાઇન્સ પાસેથી જાણકારી મેળવ્યા બાદ જ ભવિષ્યનું પ્લાનિંગ કરે. એરપોર્ટ પહોંચતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ વિશે જાણકારી મેળવી લે. અનેકના રુટ ડાઈવર્ટ કરાયા છે.
અનેક વિસ્તારો મોડી રાતે જળમગ્ન
ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. માર્ગો પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી છે. ખાનપુર, ડીએનડી, મોતીબાગ સહિતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું હતું.