સરયૂ નદીના પટમાંથી મળ્યુ ચાંદીનુ ભારે ભરખમ શિવલિંગ, લોકો પોલીસ સ્ટેશનમાં દર્શન કરવા પહોંચ્યા
નવી દિલ્હી,તા.17.જુલાઈ.2022
ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે અને આ મહિનામાં ભોલેનાથની પૂજા અર્ચના થતી હોય છે.
ભક્તિભાવના ચાલી રહેલા માહોલ વચ્ચે યુપીના મઉ જિલ્લામાં સરયૂ નદીના પટમાંથી રેતી નીચે દબાયેલુ ચાંદીનુ શિવલિંગ મળી આવતા લોકો અચરજમાં મુકાઈ ગયા છે.
આ શિવલિંગની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. શિવલિંગ મળ્યાની ખબર વાયુવેગે ફેલાયા બાદ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી.
પોલીસ શિવલિંગને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી તો ભાવિકોએ પોલીસ સ્ટેશનમાં દર્શન કરવા માટે ભીડ જમાવી હતી.પોલીસ મથકમાં જ શિવલિંગની પૂજા અર્ચના લોકોએ શરુ કરી દીધી હતી.
પોલીસનુ કહેવુ છે કે, કેટલાક લોકોને નદીના પટમાં ચળકતી વસ્તુ દેખાઈ હતી. જ્યારે પટની રેતી ખોદવામાં આવી હતી ત્યારે તેમાંથી શિવલિંગ મળ્યુ હતુ. હવે આ શિવલિંગ નદીના પટમાં ક્યાંથી આવ્યુ તેની તપાસ શરુ કરવામાં આવી છે.
શિવલિંગના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટાને લઈને લોકો જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ હતુ કે, એવુ લાગે છે કે કળિયુગનો અંત આવી રહ્યો છે.