આંધ્રની કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છૂપા કેમેરા ઝડપાતા ચકચાર
- ન્યાય મળશે નહીં ત્યાં સુધી શિક્ષણ કાર્ય નહીં
- ગર્લ્સ હોસ્ટેલના ત્રણસોથી પણ વધુ ફોટા અને વિડીયો લીક થયા બાદ વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો
હૈદરાબાદ : આંધ્રપ્રદેશની એક એન્જિનીયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં છૂપો કેમેરો મળવાની વાતથી હડકંપ મચી ગયો છે. આ કેમેરા પર એક વિદ્યાર્થીની નજર પડી અને તેણે તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. આ કેમેરાથી રેકોર્ડ કરવામાં આવેલા કેટલાક ફૂટેજ બોય્સ હોસ્ટેલમાં પણ શેર થયા છે. આ ઘટનાથી નારાજ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે.
આ ગર્લ્સ હોસ્ટેલના ત્રણસો જેટલા ફોટો અને વિડીયો લીક થયા પછી આ હોબાળો થયો છે. કોઈ એકાદ ફોટો કે વિડીયો લીક થતા જ આ ઘટના બની હોય તેવું નથી.
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ગુડલવાલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ગર્લ્સ હોસ્ટેલમાં છૂપો કેમેરા લાગેલો હતો. આ વાતની જાણકારી વિદ્યાર્થીનીઓમાં ફેલાતા ચકચાર મચી ગઈ અને વિદ્યાર્થીનીઓમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો. તેઓએ નારાજ થઈ કોલેજના સંકુલમાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા.
એન્જિ. કોલેજમાં વિરોધ પ્રદર્શન કરનારી વિદ્યાર્થીનીઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા છે. તેમણે પ્રાઇવસીનો ભંગ કરનારા અને વિડીયો ફૂટેજ પ્રસારિત કરનારા સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી.
વિરોધ પ્રદર્શનની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ પહોંચી ગઈ હતી અને તેણે તપાસ કરી છે. તેના પછી તેણે એન્જિ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીનીની ધરપકડ કરી છે. જો કે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
કોલેજ વહીવટીતંત્રએ વિદ્યાર્થીનીઓને આશ્વાસન આપ્યું છે કે તે સમગ્ર કેસની તપાસ કરશે અને અધિકારીઓની સાથે તેઓ સહયોગ કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે વધારાની સુરક્ષાની પણ વાત કરી છે. આ કેસ છેક સીએમ ચંદ્રાબાબુ સુધી પહોંચ્યો છે અને તેમણે આ પ્રકરણની તપાસના આદેશ આપ્યા છે. તેના પગલે જિલ્લા વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
બનાવની ગંભીરતા જોઈને ખાણપ્રધાન કે રવિન્દ્ર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિદ્યાર્થીનીઓએ તેમને ફરિયાદ કરી હતી કે છૂપા કેમેરા તેમના વોશરૂમમાં હતા. અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને કોલેજ મેનેજમેન્ટમાં વિશ્વાસ નથી. તે ત્રણ દિવસથી ઘટનાને છાવરવા પ્રયત્ન કરી રહ્યું છે. જો ફરિયાદ કરી તો અમારી સામે કાર્યવાહી કરવાની કોલેજ મેનેજમેન્ટે ધમકી પણ આપી છે, એમ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું. તેઓએ રવિન્દ્ર પાસે ન્યાયની માંગ કરી હતી. તમને ન્યાય મળશે નહી ત્યાં સુધી ક્લાસ શરૂ નહી થાય એમ તેમણે જણાવ્યું હતું.