લખનૌની ફાઈવ સ્ટાર Hotel Levana Suitesમાં આગ હોનારત, 2ના મોત
- ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ લોકોને હોટેલની બહાર કાઢી રહી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે
લખનૌ, તા. 05 સપ્ટેમ્બર 2022, સોમવાર
યુપીની રાજધાની લખનૌની ફાઈવ સ્ટાર હોટેલ લેવાના સ્યુટ્સમાં આગ લાગી છે. આગમાં કેટલાય લોકો દાઝી ગયા છે અને 1 પુરુષ તથા 1 મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે. આગથી દાઝી ગયેલા 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હોટેલ હઝરતગંજ વિસ્તારમાં છે. અનેક લોકો હજુ પણ હોટેલમાં ફસાયેલા છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ લોકોને હોટેલની બહાર કાઢી રહી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. હોટેલ રૂમની બારીઓના કાચને તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે ફ્લોર પર આગ લાગી ત્યાં 30 રૂમ છે તેમાંથી 18 રૂમ બુક હતા. દુર્ઘટના સમયે ત્યાં 40-50 લોકો હાજર હશે.
હોટેલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. રૂમ નં. 214માં એક પરિવાર ફસાયેલો છે. એક રૂમમાં બે લોકો બેભાન થઈ ગયા છે. હોટેલમાંથી બહાર કાઢવામાં આવી રહેલા બધા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. સવારે લગભગ 6:00 વાગ્યે હોટેલમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જ્યારે એલાર્મ વાગ્યું ત્યારે લોકોને તેની જાણ થઈ હતી.
આગ હોટેલના ત્રીજા માળે લાગી હતી અને તે જોતજોતામાં આખી હોટેલમાં ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની લગભગ 20 ગાડીઓ પહોંચી છે. ફાયર બ્રિગેડના જવાનો બારીમાંથી હોટેલમાં ઘૂસીને લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર પણ કાબુ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 7 લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
હોટેલમાં ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ પોતાનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ધુમાડાના કારણે ફાયર બ્રિગેડના લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘટના સ્થળે પહોંચ્યા DM અને તમામ મોટા ઓફિસર
હોટેલ લેવાના સ્યુટ્સમાં આગ લાગવાની સૂચના મળતા લખનૌના DM સહિત તંત્ર અને પોલીસના તમામ મોટા ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે હોટેલમાં દરેક ફ્લોર પર 30 રૂમ છે. ઘણા લોકોને હોટેલમાંથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે.
લોકોને દોરડા વડે બાંધીને ઉતારવામાં આવ્યા
ફાયર બ્રિગેડે હોટેલમાં ફસાયેલા કેટલાક લોકોને દોરડા વડે બંધીને સીડીના સહારે હોટેલની બીજી અને ત્રીજી માળથી બહાર કાઢવામાં આવ્યા છે. આ કામમાં ફાયર બ્રિગેડને ખૂબ જ જહેમત ઉઠાવવી પડી છે.
ધુમાડો જોઈને કેટલાક લોકો ભાગી ગયા
સવારે ધુમાડો જોઈ હોટેલની અંદર હાજર લોકો બહાર ભાગી ગયા હતા. કેટલાક કર્મચારી પણ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.