India

'સરકાર મંદિરની મિલકતોની સંરક્ષક છે, માલિક નથી...', સુપ્રીમ કોર્ટે CM થલપતિ વિજયને સંભળાવી દીધું

By GS Team
19 Oct 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પલટાવી, તમિલનાડુ સરકારને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકાર મંદિરની સંપત્તિની માત્ર કસ્ટોડિયન છે, માલિક નહીં. ઈરોડના નાગપાલયમ મરિયમ્મન-પોન્નાચિયમ્મન મંદિરના ટ્રસ્ટીએ 1 એકર જમીન તાલુક કાર્યાલય માટે સરકારને આપી હતી, જેને કાયદાનું ઉલ્લંઘન ગણી સુપ્રીમ કોર્ટે અમાન્ય ઠેરવી. સરકારે 3 મહિનામાં ભાડું અને દંડ ચૂકવવાનો આદેશ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સરકાર મંદિરની મિલકતોની સંરક્ષક છે, માલિક નથી...', સુપ્રીમ કોર્ટે CM થલપતિ વિજયને સંભળાવી દીધું
IMAGE - IANS

Supreme Court Temple Land Ruling: મદ્રાસ હાઈકોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચૂકાદાને પલટી નાખતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું છે કે રાજ્ય સરકાર મંદિરની સંપત્તિઓની માત્ર સંરક્ષક અને નિયામક (કસ્ટોડિયન) છે, તેની માલિક નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે કોઈ પણ ટ્રસ્ટી પાસેથી રાજ્ય સરકાર આવી સંપત્તિ ભેટ (ગિફ્ટ) સ્વરૂપે સ્વીકારી શકે નહીં, ભલે તે ટ્રાન્સફર સાર્વજનિક હેતુ કે જાહેર હિત માટે જ કેમ ન કરવામાં આવી હોય. જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે તમિલનાડુ સરકારને આકરા શબ્દોમાં ફટકાર લગાવતા ગિફ્ટ ડીડને અમાન્ય જાહેર કરી દીધી છે.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે તમિલનાડુના ઈરોડ જિલ્લામાં આવેલા નાગપાલયમ મરિયમ્મન-પોન્નાચિયમ્મન મંદિરના એક અસ્થાઈ ટ્રસ્ટીએ 30 ઓગસ્ટ, 2017ના રોજ ગિફ્ટ ડીડ દ્વારા મંદિરની 1 એકર અને 10 સેન્ટ જમીન તાલુક કાર્યાલય બનાવવા માટે રાજ્ય સરકારને સોંપી દીધી હતી. આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, માર્ચ 2019માં મદ્રાસ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને ટ્રાન્સફરને યોગ્ય ઠેરવી હતી. આ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં સવાલ હેઠળ લાવવામાં આવ્યો હતો.

'HR&CE' કાયદાની કલમ 41નું ખુલ્લું ઉલ્લંઘન

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે આ ભેટ 'તમિલનાડુ હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ (HR&CE) એક્ટ, 1959'ની કલમ 41નું સીધું ઉલ્લંઘન કરે છે. આ કલમ ધાર્મિક સંસ્થાના નિભાવ કે જાળવણી માટે આપેલી 'ઇનામ' (દાનમાં આપેલી) જમીનને ગિફ્ટ તરીકે આપવા પર સ્પષ્ટ મનાઈ ફરમાવે છે. કોર્ટે ઉમેર્યું કે મહેસૂલ વિભાગના કોઈ અધિકારી દ્વારા મંદિરની જમીન ભેટ તરીકે સ્વીકારવી, ભલે તેનો હેતુ ગમે તેટલો નેક કે જાહેર હિતનો હોય, પણ તે કાયદાના મૂળ ઉદ્દેશ્યથી વિપરિત છે.

મંદિરની સંપત્તિ માત્ર ભગવાન અને ભક્તોની છે

ચુકાદો આપતાં બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે, 'કોઈ દેવતાને સમર્પિત સંપત્તિ હવે દાન આપનારની રહેતી નથી, પરંતુ તે દેવતા અને તે ભક્તોના સમુદાયની બની જાય છે. મંદિરની સંપત્તિ દેવતા માટે હોય છે, ટ્રસ્ટીના પદ પર બેઠેલી વ્યક્તિ દ્વારા મનસ્વી રીતે વહેંચવા માટે નહીં—પછી ભલે તેનો ઈરાદો ગમે તેટલો સારો કેમ ન હોય.' ટ્રસ્ટીઓએ ધાર્મિક સંસ્થાઓ અને તેમની સંપત્તિનું સંચાલન એટલી જ કાળજીથી કરવું જોઈએ જેટલું કોઈ સમજદાર વ્યક્તિ પોતાના અંગત વ્યવહારોનું કરે છે.

તમિલનાડુ સરકારને રૂ. 1 લાખનો દંડ અને ભાડું ચૂકવવાનો આદેશ

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના વલણની આકરી ટીકા કરી હતી, કેમ કે ચાર વર્ષથી વધુ સમય સુધી મંદિરની સંપત્તિને સરકારી સંપત્તિ ગણીને તેની પર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. કોર્ટે આ જમીન માટે 8 માર્ચ, 2019થી અત્યાર સુધીનું માસિક રૂ. 31,000 લેખે ભાડું અને બાકી નીકળતી તમામ રકમ 3 મહિનાની અંદર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પર રૂ. 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે રકમ મંદિરને સોંપવામાં આવશે. તાલુક કાર્યાલયનું બાંધકામ જાહેર નાણાંથી થઈ ચૂક્યું હોવાથી લીઝ રદ કરવામાં આવી નથી, પરંતુ દર 3 વર્ષે ભાડાની સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે.